તા.૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનમાં કમઠાણ !
બુધવારે સાંજે ૪ઃ૦૦ કલાકે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થતાં ગણતરીની મિનિટોમાં જ બંધ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૮
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સંક્રમણે હાહાકાર સર્જ્યો છે. બેકાબૂ રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા વેક્સિનેશન પર વધુ ભાર આપવામાં આવી રહ્યું છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના યુવાઓને વેક્સિન આપવાનો તા.૧લી મેથી પ્રારંભ થનાર હોઈ તે માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયેલ છે, જેનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશનના પ્રથમ જ દિવસે પ્રારંભની સાથે જ રજિસ્ટ્રેશનની સાઈટ ક્રેશ થઈ જવા પામી હતી. કોરોના વેક્સિનેશનના આગામી તા.૧લી મેથી શરૂ થનાર યુવાઓ માટેના રાઉન્ડમાં ૧૮થી ૪૪ વર્ષની વયના લોકોનો સમાવેશ કરાયો છે. સરકાર દ્વારા આ લોકોને રસીકરણ કરાવવા માટે ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમ નિર્ધારિત કરાયેલ છે, જેમાં તા.ર૮ એપ્રિલ એટલે કે, આજથી દેશભરમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ થવાનો હતો. આજે સાંજે ૪ઃ૦૦ કલાકે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ થવાની ગણતરીની જ મિનિટોમાં જ ક્રેશ થઈ જવા પામ્યું હતું. લોકોને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ પર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડ્યો હતો. આ રીતે પોર્ટલ ક્રેશ થવાથી રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા વેક્સિનેશન માટે એપોઈન્ટમેન્ટ લેવાનું ફરજિયાત કરાયા બાદ વેક્સિન કાર્યક્રમની શરૂઆતમાં અફરા-તફરીથી બચવા માટે વેક્સિનેશન કેન્દ્રો પર રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે. જો કે, ૪પ વર્ષથી વધુ વયના લોકો વેક્સિનેશન કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકશે.