(એજન્સી) તા.રપ
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ વેકિસન અંગે અફવાહ ફેલાવનારાઓની વિરૂદ્ધ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. કેન્દ્રએ આ બાબતે તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરંતુ આ લક્ષ્ય મુજબ અપેક્ષિત ગતિ પકડી રહ્યો નથી. ભારતમાં અત્યાર સુધી ૧૬ લાખથી વધુ લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અન્ય જિલ્લાએ પાછલા અઠવાડિયે રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આ બાબતે પત્ર લખ્યો છે. તેમાં રાજયોને બતાવવામાં આવ્યું છે કે, આપત્તિ મેનેજમેન્ટ કાયદો અને આઈપીસીની કલમો હેઠળ આવા લોકો પર કાર્યવાહી કરી શકાય છે. ગૃહ સચિવે જણાવ્યું છે કે અફવાહ અને ખોટા સમાચારો પર પ્રતિબંદો માટે આવા લોકો પર કાર્યવાહી જરૂરી છે. તેની સાથે જ વાસ્તવિક તથ્યોના આધારે વિશ્વસનીય સૂચનાઓના પ્રસારની સલાહ પણ રાજયોને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વેકિસનેશન પછી કેટલાક લોકોના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ચલાવવામાં આવી રહી છે. જયારે આ મૃત્યુનો રસીકરણથી કોઈ સંબંધ નથી. આ અફવાઓમાં લોકોને રસીકરણ કરાવવા અને તેનાથી જીવલેણ જોખમની વાતો છે. કેન્દ્ર સરકારની એજન્સીઓ આવી અફવાઓ પર ધ્યાન ના આપવાની સલાહ લોકોને આપી ચૂકી છે. અનેક સ્થળો પર જાગરૂતતા કાર્યક્રમ પણ રસીકરણને પ્રોત્સાહન માટે ચલાવવામાં આવી રહ્યા છે.