• એક હજાર સ્વયંસેવકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે • વેક્સિન સાચવવા સોલા સિવિલમાં ખાસ રૂમ ઊભો કરાયો

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૨૪
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. નાના મોટા તમામ દેશો કોરોનાની રસીની શોધમાં અને તેના ટેસ્ટિંગમાં લાગી ગયા છે. કોઈ દેશ રસીના પ્રથમ તબક્કામાં, કોઈ બીજા, કોઈ ત્રીજા તો કોઈ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને મનુષ્ય પર તેના ટેસ્ટિંગ માટેની તૈયારી પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સમગ્ર દુનિયાની નજર કોરોના વેક્સિન પર ચોંટેલી છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ વખત કોરોના વેક્સિન ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે આવી ગઈ છે.
ગુજરાતમાં સૌપ્રથમવાર અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન ટ્રાયલ માટે આવી ગઈ છે ત્યારે, વેક્સિનને સાચવવા માટે સોલા સિવિલમાં ખાસ રૂમ તૈયાર કરાયો છે. ટ્રાયલ વેકસીનનું નામ આત્મનિર્ભર વેક્સિન આપવામાં આવ્યું છે. ટ્રાયલ વેક્સિનને રાખવા માટે ૨થી ૮ ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટ્રાયલ વેક્સિન ૨ દિવસની કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ ૧ હજાર જેટલાં વોલિયન્ટરને આપવામાં આવશે. આ વેક્સીનના ટ્રાયલ માટે ૧ હજાર વોલન્ટિયરને અગાઉથી નિર્ધારિત કરી રખાયા છે. માત્ર સ્વસ્થ લોકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે. દરેક વોલન્ટિયરને વેક્સિન આપ્યા બાદ તેઓને એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જે બાદ નિયમિત તેમના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરવામાં આવશે.
આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે. અગાઉ ૩ હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું. હવે વ્યવસ્થાને આધિન ૧ હજાર સ્વયંસેવકો પર ટ્રાયલ કરાશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે આ સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા માંડ્યો હતો અને તેને લઇને આ પરીક્ષણ હાથ ધરાયું ન હતું, એમ રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે.