(એજન્સી) તા.૨૨
ગુડગાંવના એક ૫૬ વર્ષીય હેલ્થવર્કરનું મોત નીપજ્યું છે. ગત શનિવારે જ આ હેલ્થ વર્કરે કોવિશીલ્ડની કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો. જોકે હજુ સુધી તેના મોતનું કારણ જાણી શકાયું નથી, મૃતદેહ ઓટોપ્સી રિપોર્ટ માટે મોકલી દેવાયો છે. તેમના પરિવારના જણાવ્યાનુસાર રાજાવંતી મેદાન્તા હોસ્પિટલમાં દાખલ હતા અને તેઓ સવારે ઊઠ્યા જ નહીં. તેમને વેક્સિનને કારણે કોઈ રિએક્શન થયું હોય તેવું તો જણાયું નહોતું. ગુડગાંવના ચીફ મેડિકલ ઓફિસ ડૉ. વીરેન્દ્ર યાદવે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હાલના સમયે તેમના મૃત્યુ અંગે કંઈ કહેવું યોગ્ય નહીં હોય. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
આ વેક્સિનેશન અભિયાન હેઠળ ભારતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડના ડૉઝ આપવામાં આવી રહ્યા છે. આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા લાઈસન્સ અપાયા છે. વેક્સિનેશન અભિયાન હેઠળ હાલમાં દેશના ૩ કરોડ હેલ્થ વર્કરો અને અન્ય ફ્રન્ટલાઇન વર્કરને સૌથી પહેલાં વેક્સિન આપવામાં આવી રહી છે અને તેના પછી ૫૦ વર્ષ કે તેથી ઓછી વયના લોકો કે જેમની હાલત ગંભીર હોય તેમને વેક્સિન આપવામાં આવી રહી છે.
Recent Comments