અમદાવાદ,તા.૯
કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરિયર એવા પોલીસ કર્મીના પુત્રએ શારીરિક તકલીફો વચ્ચે પણ હિંમત હાર્યા વિના ધો.૧૦ની બોર્ડની પરીક્ષા આપી ઝળહળતી સફળતા હાંસલ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના રામોલના પીઆઈ કે.એસ. દવેના પુત્ર ધ્રુવીન દવેએ ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૮.ર૦ પર્સન્ટાઈલ સાથે એ-ર ગ્રેડથી સફળતા હાંસલ કરી છે. જો કે પરીક્ષા વખતે ધ્રુવીન બીમાર થઈ જતા બાટલા ચડાવવા પડયા હતા. તેમ છતાં તેણે હિંમત હારી નહીં અને મુશ્કેલીઓનો સામનો કરીને પરીક્ષા સહ કરી છે. આ અંગે ધ્રુવીને વાતચીતમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા જ મને ટાઈફોઈડ થતા હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. જયાં જરૂર પડતા ગ્લુકોઝના બોટલ ચડાવવા પડયા હતા. બીમાર થવાને લીધે હું હતાશ થઈ ગયો હતો મને ડર હતો કે મારી કારકિર્દી ખતમ થઈ જશે. પરંતુ મારા માતા-પિતા અને શિક્ષકોએ મને હુંફ આપી એટલે મે અથાગ પરિશ્રમ કરીને પરીક્ષા આપી હતી. ત્રણ પેપર તો હોસ્પિટલથી આપવા જતો હતો. ત્યારે પરીક્ષા દરમ્યાન થોડા ચક્કર પણ આવતા પણ મારા પપ્પા રોજ મને હિંમત આપતા અને પરીક્ષા સેન્ટર સુધી મુકવા આવતા હતા. આવા કપરા સમયમાં તમને પરીક્ષા આપવાની પ્રેરણા કેવી રીતે મળી તેવા પ્રશ્નના જવાબમાં ધ્રુવીને જણાવ્યું હતું કે પિતા પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી કેવા પણ કપરા સમયમાં તેઓ પોતાની ફરજ નિભાવે છે. એટલે તેમને જોઈને મને હંમેશા પ્રેરણા મળે છે. મારા માટે મારા પિતા જ પ્રેરણાનો સ્ત્રોત છે.