૨૦૧૪માં રાજ્ય સરકાર દ્વારા ૧૮૦૦ નર્સની ભરતી કરાઈ હતી
સુરતમાં ફરજ બજાવતાં ૧૫૦થી વધુ નર્સિંગ સ્ટાફ કાયમીની રાહમાં
(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
વૈશ્વિક મહામારી સમાન કોરોનાના કપરા કાળમાં પરિવારની પરવા કર્યા વિના અન્ય મેડિકલ સ્ટાફની સાથો સાથ નર્સિંગ સ્ટાફ પણ જીવના જોખમે સેવા બજાવી રહ્યો છે. કોરોના વોરિયર્સ એવા નર્સિંગ સ્ટાફને પાંચ વર્ષ પૂરા થઈ જવા છતાં ફુલ પેમાં સમાવવા માટે સરકાર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે જેને લઇને નર્સિંગ સ્ટાફમાં આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતનો ૧૫૦ જેટલા નર્સિંગ સ્ટાફ પણ કાયમીની રાહમાં પ્રતીક્ષા કરી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા સન ૨૦૧૪માં ૨૫૦૦ નર્સિંગ સ્ટાફ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરીક્ષા લીધા બાદ સુરતના અંદાજિત ૧૫૦ સહિત રાજ્યના અઢારસો નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ભરતી સમયે પાંચ વર્ષ ફિક્સ પેનો નિયમ અમલી હતો. નર્સિંગ સ્ટાફને હવે છ વર્ષ પૂર્ણ થવા આવ્યા છતાં ફૂલ પે આપવામાં સરકાર આનાકાની કરી રહી છે. કોરોનાના કાતિલ કહેર વચ્ચે પણ નર્સિંગ સ્ટાફ પરિવારની પરવા કર્યા વિના જિંદગી હોડમાં મૂકીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. પરંતુ સરકારની ઉદાસીનતાથી ક્યાંકને ક્યાંક આંતરિક રીતે કચવાટ જોવા મળી રહ્યો છે. આ બધું ઓછું હોય તેમ કોરોના વોરિયર્સ તરીકે કામ કરનાર સ્ટાફને ઈનસેટીવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં ફિક્સ પે વાળા નર્સિંગ સ્ટાફ સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ફૂલ પે વાળાને કોરોના ઇન્સેટીવ તરીકે ૧૫૦૦૦ અને ફિક્સ પે વાળાને ૫૦૦૦ ચૂકવાય છે. જોકે સરકાર દ્વારા એ પણ ચૂકવવામાં આવ્યો ન હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સુરતની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં થયેલી ભરતી પ્રક્રિયામાં ૧૫૦થી વધુ નર્સોને નિમણૂક આપવામાં આવી હતી રાજ્યના અન્ય જિલ્લાની સાથે સાથે સુરતની નર્સિંગ સ્ટાફ ફૂલ પેના નિર્ણય માટે ચાતક નજરે રાહ જોઇ રહ્યો છે જો કે. સંવેદનશીલ સરકારના સંવેદનશિલ મંત્રીઓ સુધી કોરોના વોરિયર્સ એવા નર્સિંગ સ્ટાફનો અવાજ પહોંચ્યો નથી અથવા તો આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા મંત્રીઓ નિર્ણય લેવા રસ ધરાવતા નથી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે મેડિકલ સ્ટાફની કામગીરી વધી ગઈ છે ત્યારે સરકાર આવા સમયમાં પણ ફિક્સ પે વાળાઓને વોશિંગ એલાઉન્સમાં અન્યાય કર્યો હોવાનું જાણવા મળે છે. હવે ફુલ પે વાળાઓને અપાઇ રહ્યું હોય સરકારની કર્મચારીઓ સાથે વહાલા દવલાની નીતિનો નર્સિંગ સ્ટાફમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
Recent Comments