અમદાવાદ, તા.૧૫

ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી તેના સંક્રમણને અટકાવવા અને દર્દીઓને જીવના જોખમે બચાવવા માટે કોરોના વોરિયર્સ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે કોરોના વોરિયર્સ ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવેથી ગુજરાતમાં ડૉક્ટર્સ અને અન્ય આરોગ્યકર્મીઓને ફરજ દરમિયાન ક્વોરન્ટાઈન કરવામાં આવે તો તે સમયગાળાને ઓન ડ્યૂટી ગણવામાં આવશે. આ અંગે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૮૯૭ અન્વયે આ વિભાગના ૧૩/૩/૨૦૨૦ના જાહેરનામાંથી ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ ડબ્લ્યૂપી(સી) નં.૭૫૯/૨૦૨૦-ડીઆરના તા.૩૧/૭/૨૦૨૦ના રોજ સુનાવણી દરમિયાન અને અન્ય હેલ્થ વર્કરને કોરોનાની ફરજ દરમિયાન ક્વોરન્ટાઈન કરવામાં આવતો સમયગાળો અમુક કિસ્સાઓમાં રજા તરીકે ગણવાની બાબતનો મુદ્દો ઊઠાવવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવેલા સમયગાળાને ઓન ડ્યૂટી ગણવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેથી ડૉક્ટર અને અન્ય હેલ્થ વર્કરનોની કોવિડ-૧૯ની ફરજ દરમિયાનનો ક્વોરન્ટાઈન કરવામાં આવતો સમયગાળો ઓન ડ્યૂટી ગણવાનો રહેશે. એક તરફ ગુજરાતમાં ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની દિવસ-રાત જીવના જોખમે સારવાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે નવરાત્રિ યોજવા અંગેની વિચારણાથી ડૉક્ટર્સ નારાજ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસો.નું કહેવું છે કે, ગરબા જીવન જરૂરિયાત વસ્તુ નથી. જીવતા રહેશો તો આવતા વર્ષે પણ ગરબા ગાઈ શકશો. તેમનું એવું પણ કહેવું છે કે, ગરબાનું આયોજન થાય તો ગુજરાત અને અમદાવાદ માટે ઘાતક સાબિત થઈ શકે છે.