(ફિરોઝ મનસુરી)
અમદાવાદ, તા.૧૮
લગ્ન પછી ઘરમાં નવા મહેમાન બનેલા પહેલાં બાળકને જોવાની તડપ કોને ના હોય પણ હાલ કોરોનાથી દેશ ખતરામાં છે ત્યારે દેશને બચાવવો એ પહેલી ફરજ છે. એટલે હાલ લોકડાઉનમાં ડ્યુટી કરી રહ્યો છું. આ શબ્દો છે અમદાવાદના જે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના ફરજ નિભાવતા કોન્સ્ટેબલ ગુલામમયુદ્દીન ઘાંચીના. તેમના ઘરે બાળકનો જન્મ થયાને ૧ર દિવસ થઈ ગયા પણ હજુ તેઓ ઘરે ગયા નથી અને ફરજ નિભાવી સાચા કોરોના વોરિયર બન્યા છે.
હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને લીધે લોકડાઉન તા.૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે. ડૉક્ટર, પોલીસ, મીડિયા, હેલ્થ વિભાગના કર્મીઓ કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે અમદાવાદના જે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગુલામમયુદ્દીન ગુલામઅહેમદ ઘાંચી લોકડાઉનના પાલન માટે શહેરના શાહઆલમ વિસ્તારમાં ફરજ નિભાવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તેમના ઘરે તા.૬ મેના રોજ દીકરાનો જન્મ થયો ત્યારે તેમને દીકરાને જોવાની અને રમાડવાની ખૂબ જ ઈચ્છા થઈ. પરંતુ મહામારીના સમયે ફરજ પહેલાં હોવાથી દીકરાને મળવા હજુ સુધી ગુલામમયુદ્દીન ગયા નથી. આ અંગે રાધનપુરના વતની ગુલામમયુદ્દીન ઘાંચીએ ગુજરાત ટુડે સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનમાં શાહેઆલમ વિસ્તારમાં ફરજ નિભાવી રહ્યો છું. તે દરમિયાન તા.૬ મેના રોજ મારા ઘરેથી ફોન આવ્યો કે દીકરો જન્મ્યો છે. ત્યારે મારું દિલ તડપી ઉઠયું કે દીકરાને જઈને મળી આવું. પરંતુ તરત જ યાદ આવ્યું કે મારી ફરજ પહેલાં એટલે હજુ સુધી ઘરે ગયો નથી અને ઘરે જવા માટે રજા માંગી પણ નથી કેમ કે, કોરોનાથી હાલ દેશ ખતરામાં છે. એટલે દેશને બચાવવો ખૂબ જ જરૂરી છે. દેશ બચશે તો મારો દીકરો પણ બચશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા લગ્ન પછી આ પહેલું બાળક છે એટલે પહેલાં બાળકને જોવાની અને ખોળામાં લઈને રમાડવાની બહુ તડપ થાય છે પરંતુ હાલ વીડિયો કોલ કરીને જ દીકરાને જોઈને મનને મનાવી લઉં છું.