(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
હજી તો એવા અહેવાલ શમ્યા નથી કે ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડનારી છે ત્યાં બીસીસીઆઈએ નિર્ણય લઈ લીધો છે કે જૂન-જુલાઈમાં ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ રદ કરી દીધો છે. જૂન મહિનામાં બંને ટીમ વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાનારી હતી. બંને ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે હાલમાં આ સિરીઝ રમાડવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. જોકે કાર્યક્રમ ઘડાયો ન હતો. બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમાલે જણાવ્યું હતું કે જૂન-જુલાઈમાં આ સિરીઝ રમાશે નહીં. અમે શ્રીલંકન બોર્ડને જાણ કરી દીધી છે કે આ સિરીઝ ભવિષ્યમાં રમાશે. અગાઉથી જ આ સિરીઝ રદ થશે તેવી અપેક્ષા હતી કેમ કે ભારતીય ક્રિકેટ ટીમે હજી સુધી તેની ટ્રેનિંગનો પ્રારંભ કર્યો નથી. ભારતમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતાં બીસીસીઆઈ હાલના તબક્કે કોઈ જોખમ લેવા માગતું નથી. ખેલાડીઓને ટ્રેનિંગ અને ત્યાર બાદ મેચ માટેની ફિટનેસ લાવતાં કમસે કમ ચારેક સપ્તાહની જરૂર પડશે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ પર ભારતમાં પ્રતિબંધ હજી જારી છે.