(એજન્સી) વોશિંગ્ટન, તા.૪
કોરોના વાયરસને કારણે અમેરિકામાં બરબાદીનો માહોલ છે. દરરોજ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૮૦ લોકોનાં મોત થયા છે. જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકર પ્રમાણે ગુરુવારથી શુક્રવારનો દિવસ અમેરિકા માટે ખૂબ ખરાબ રહ્યો છે. આ દરમિયાન અહીં ૧૪૮૦ મોત થયા છે. આ એક રેકોર્ડ છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધી દુનિયામાં કોઈ પણ દેશમાં ૨૪ કલાકમાં આટલા મોત નથી નોંધાયા. અમેરિકામાં ઘરમાં પણ માસ્ક પહેરવાનો આદેશ છે. નવા આંકડા પ્રમાણે અમેરિકામાં કોવિડ ૧૯ના ચેપને કારણે કુલ ૭૪૦૬ લોકોનાં મોત થયા છે. એકલા ન્યૂયોર્કમાં જ ૩૦૦૦થી વધારે લોકોનાં મોત થયા છે. દર કલાકે મોતનો આંકડો વધી રહ્યો છે. એટલું જ નહીં અહીં એક લાખથી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો છે. જ્યારે આખા અમેરિકામાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓની સંખ્યા અઢી લાખથી વધારે છે. કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના ગવર્નરે અન્ય રાજ્યના ગવર્નરોને મહામારી સામે લડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ દરમિયાન અમેરિકામાં તમામ લોકોને માસ્ક પહેરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ માસ્ક નહીં પહેરે. આ પહેલા સંશોધનમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત કોરોના વાયરસના દર્દીઓની દેખરેખ રાખતા લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ હવે સામે આવ્યું છે કે આ વાયરસ ખૂબ જ ખતરનાક છે આથી તમામ લોકોએ માસ્ક પહેરવું જોઈએ. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હાલમાં તેઓ નવી માર્ગદર્શિકાને નહીં માને. અમેરિકામાં સતત વધી રહેલા મોતના આંકડા બાદ ખુદ અમેરિકાના તંત્રએ કોરોનાની મહામારીને કારણે આશરે બે લાખ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરી છે. હકીકતમાં અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ ખાસ કરીને વૃદ્ધો તેમજ ભૂતકાળમાં કોઈ બીમારી હોય તેવા લોકોને વધારે શિકાર બનાવે છે, પરંતુ ન્યૂયોર્કમાં અચાનક યુવાઓનોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે.

ચૂંટણી સમયસર યોજાશે : ટ્રમ્પ

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ અમેરિકામાં આ વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચૂંટણી નિર્ધારિત સમયે ત્રણ નવેમ્બરના રોજ યોજાશે. તેઓએ કહ્યું કે તેઓ મતદાન માટે ઉપયોગમાં લેવાતા બેલેટના સમર્થનમાં નથી. મતદાન પોલિંગ બૂથમાં કરાવવું જોઈએ. જોકે કોરોનાને કારણે ઘણા રાજ્યોમાં ચૂંટણી સ્થગિત કરી દેવાઈ છે અને ડેમોક્રેટિક પાર્ટીએ આ મહામારીના કારણે જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે નામાંકન સંમેલનને સ્થગિત કરી દીધું છે.