(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
કોરોના જેવી મહામારીએ એક તરફ કેર વર્તાવ્યો છે તો બીજીબાજુ મોંઘવારીના માર્યા સામાન્ય માણસની જિંદગીને વેરવિખેર કરી દીધી છે. બે ટંકની રોજી રોટી મેળવવા ફાંફા મારતો સામાન્ય માણસ ડગલે ને પગલે ગોથાં ખાઇ રહ્યો છે. ત્યારે સામાન્ય માણસને મોંઘવારીએ હેરાન પરેશાન કર્યો છે. સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (ઉઁૈં) વધીને ૧.૫૫ ટકાના સ્તરે પહોંચી ગયો છે જે છેલ્લા નવ મહિનાનૌ સૌથી ઉંચો મોંઘવારી દર છે. ઓક્ટોબરમાં આ દર ૧.૪૮ અને ગયા વર્ષનો નવેમ્બરનો દર ૦.૫૮ રહ્યો હતો. સરકારી આંકડાઓ અનુસાર આ દર ફેબ્રુઆરીમાં સૌથી વધારે રહ્યો છે. ફેબ્રુઆરીમાં તે દર ૨.૨૬ ટકા હતો. કોરોના સંકટની સાથે આર્થિક મંદીના ભણકારા વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમવર્ગની હાડમારી વધી રહી છે. જ્યારે સરકારનું કહેવુ છે કે, મેન્યુફેક્ચર્ડ પ્રોડ્‌કટ્‌સ મોંઘા થવાથી નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી આંકમાં વધારો થયો છે. નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી નરમ રહી પરંતુ ઉત્પાદિત ઉત્પાદનોએ ફુગાવાને આગ ચાંપી દીધી. આ સમયગાળા દરમિયાન, ખાદ્ય ફુગાવાનો દર ૩.૯૪ ટકા હતો, જે ઓક્ટોબરમાં ૬.૩૭ ટકા હતો. શાકભાજી અને બટાટાના ભાવ અનુક્રમે ૧૨.૨૪ ટકા અને ૧૧૫.૧૨ ટકા વધારે હતા. ખાદ્ય ચીજો ન હોય તેવો ફુગાવો દર પણ ૮.૪૩ ટકાના ઉચ્ચ સ્તરે રહ્યા. આ સમયગાળા દરમિયાન ઇંધણ અને વીજળીનો ફુગાવો ઋણાત્મક ૯.૮૭ ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૦ માં માસિક જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો ૧.૫૫ ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન ગાળામાં તે ૦.૫૮ ટકા હતો તેવું જાણવા મળ્યું છે. તહેવારોની સિઝનમાં ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ વધારો નોંધવામાં આવ્યો છે. નવેમ્બરમાં નવ મહિનાની ઉંચી સપાટીએ ફુગાવા દર પહોંચી ગયો છે. ફેબ્રુઆરી ૨૦૨૦ પછીના જથ્થાબંધ ભાવો આધારિત ફુગાવાનો આ ઉચ્ચતમ સ્તર છે. જો કે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઓછી થઈ. નવેમ્બર ૨૦૨૦માં આ મોંઘવારી દર ૩.૯૪ ટકા નોંધાયો હતો. મોંઘવારી દર ઓક્ટોબર ૨૦૨૦માં ૬.૩૭ ટકા હતો.