ઇસ્લામાબાદ, તા.૩
ફોર્મ્યુલા વને ચાલુ વર્ષે યોજાનારી રેસના પ્રથમ ૮ રાઉન્ડ માટે સુધારેલા કેલેન્ડરની ઘોષણા કરી છે. કોરોના વચ્ચે આ તમામ રાઉન્ડ ૬ દેશોમાં યોજાશે. શરૂઆત ૩ જુલાઈના રોજ ઓસ્ટ્રિયાથી થશે. ફોર્મ્યુલા વનના ચીફ એક્ઝિક્યુટિવ ચેસ કેરેએ જણાવ્યું હતું કે, જો કોઈ ડ્રાઇવરને સિઝન દરમિયાન કોરોના સંક્રમિત થાય તો પણ રેસ રોકવામાં આવશે નહિ.
ફોર્મ્યુલા વન રેસ ઓસ્ટ્રેલિયામાં શરૂ થવાની હતી, પરંતુ વિકેન્ડ શરૂ થાય તે પહેલા મૈકલારેન ટીમનો સદસ્ય સંક્રમિત થતા ૧૫ માર્ચે રેસ રોકવામાં આવી હતી. કેરેએ કહ્યું કે આ વખતે કોઈ પણ સંજોગોમાં સીઝન અટકશે નહીં. કેરેએ ફોર્મ્યુલા વનની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તો આખી રેસ રદ્દ કરી શકાતી નથી. અમે આ માટે ટીમોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ. જો કોઈને કવોરન્ટાઈનમાં રહેવાનું હોય તો તેની પણ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું, દરેક ટીમમાં રિઝર્વ ડ્રાઇવર હોય છે. જો કોઈ ડ્રાઇવરને ચેપ લાગે છે, તો રિઝર્વ ડ્રાઇવર તેને રિપ્લેસ કરશે. જો એક ટીમ રેસમાં ભાગ લઈ શકશે નહીં, તો તેના માટે આખી રેસ રદ કરવામાં આવશે નહીં. કેરેએ કહ્યું કે ટીમોને ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરાવવામાં આવશે, જેથી તેઓ સ્થાનિકો અને ચાહકોથી દૂર રહી શકે. આ ક્ષણે, ફોર્મ્યુલા વન પ્રેક્ષકો વિના કરવામાં આવશે.