નવી દિલ્હી,તા.૬
આખી દુનિયાની જેમ પાડોશી દેશ પાકિસ્તાન પણ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ત્યાંની ઇમરાન સરકાર અને પાકિસ્તાનની કેટલીક જાણીતી હસ્તીઓ સહિત ખેલાડીઓ પણ આવા સંકટના સમયે દેશમાં જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદી છેલ્લા ઘણા સમયથી ત્યાંના લોકોને રાશન અને જરૂરી સામાન ઉપલબ્ધ કરાવી રહ્યો છે.
ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે શાહિદ આફ્રિદી પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની મદદ માટે આગળ આવ્યો છે. તે પાકિસ્તાનના લોકપ્રિય ખેલાડી જહાંગીર ખાન સાથે મળીને કોવિડ ૧૯ મહામારી સંકટ વચ્ચે અલ્પસંખ્યક સમુદાયના પરિવારોને રાશન અને રોકડ આપી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારોની મદદ માટે ઇમરાન સરકાર કોઈ પગલા નથી લઈ રહી. તેમને ત્યાં રાશન નથી મળી રહ્યું હતું.
પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક હિન્દુ ટેનિસ ખેલાડીએ અલ્પસંખ્યકોને થનારી હેરાનગતિ તરફ બધાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેથી હવે મદદનો સિલસિલો શરૂ થયો છે. પાક.ના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ પાકિસ્તાનમાં હિન્દુની મદદ કરવા માટે ભારતીય ક્રિકેટ યુવરાજ સિંહ અને હરભજન સિંહને અપીલ કરી હતી. ત્યારે હવે આફ્રિદી અને જહાંગીર ખાન પાકિસ્તાનમાં હિન્દુઓની મદદ કરી રહ્યા છે.