(એજન્સી)
કોલંબો,તા.૨
શ્રીલંકન ક્રિકેટ ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટના પુનરાગમનની અપેક્ષા સાથે ટ્રેનિંગનો પ્રારંભ કરી દીધો છે. પ્રથમ દિવસે ખેલાડીઓએ ફિટનેસ તરફ ધ્યાન આપ્યું હતું અને મંગળવારથી મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કોરોના વાયરસને પગલે માર્ચ મહિનાથી શ્રીલંકામાં ક્રિકેટ સ્થગિત થઈ ગયું છે. ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટની સિરીઝ રમવા શ્રીલંકા આવનારી હતી પરંતુ કોરોનાને કારણે માર્ચ મહિનાની આ સિરીઝ રદ કરી દેવામાં આવી હતી.
કોલંબોની એક હોટેલમાં ચુસ્ત સુરક્ષા અને કોરોના સામે કેટલાક વિશેષ ઉપાયો સાથે ટીમના ૧૩ ખેલાડીએ પ્રેક્ટિસ આરંભી દીધી હતી. પ્રથમ દિવસે ટીમના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ જણાવ્યું હતું કે ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન માટે આતુર છે. આથી જ અમે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. મારું માનવું છે કે ફિટનેસ અને અગાઉની માફક સેટ થવા માટે સમય લાગશે પણ અમારે પરત ફરવું છે તેમ તેણે ઉમેર્યું હતું. અગાઉના આઇસીસી કાર્યક્રમ મુજબ શ્રીલંકન ટીમને જુલાઈમાં સાઉથ આફ્રિકા અને ભારત સામે ત્રણ ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની હતી. ઓગસ્ટમાં બાંગ્લાદેશની ટીમ શ્રીલંકામાં ત્રણ ટેસ્ટ રમવાની છે. આ ત્રણેય ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગરૂપે રમાનારી છે.