• રાજ્યમાં વધુ ૧૬ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી : કુલ મૃત્યુઆંક ૩ર૮૯ • ર૪ કલાકમાં વધુ ૧ર૯૩ દર્દી સાજા થતાં રિકવરી રેટ વધીને ૮૩.૯૦ ટકાએ પહોંચ્યો !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૮
છેલ્લા પાંચ-છ મહિનાથી રાજયભરમાં કોરોના હાહાકાર સર્જી રહ્યો હોય તેમ દિનપ્રતિદિન ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે અગાઉ પ્રારંભમાં રોજના ૧૦૦ની આસપાસ શરૂ થયેલ કેસોનો સિલસિલો હવે ૧૪૦૦ની પાર થઈ જવા પામેલ છે કોરોના પોઝિટિવ કેસોનો આંક ઉછાળા ભરતો વધી રહ્યો છે. ર૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ હાઈએસ્ટ ૧૪૧૦ પોઝિટિવ કેસ રાજયમાં બહાર આવ્યા છે જેમાં ર૮૬ કેસ સાથે આજે પણ સુરત જ નંબર વન પર રહેલ છે. આ સાથે રાજયમાં જામનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ કોરોનાના વધુ કેસો બહાર આવી રહ્યા છે. રાજયમાં કોરોનામાં મોતનું પ્રમાણ પણ એ જ સ્થિતિ જાળવી રાખતા આજે વધુ ૧૬ વ્યકિતઓ મોતને ભેટી છે. જયારે કોરોનામાંથી સાજા થવાના મામલામાં રાહતજનક ઉછાળો યથાવત રહેતા ર૪ કલાકમાં વધુ ૧ર૯૩ દર્દીઓ સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮૩.૯૦ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રાજયમાં કોરોના ટેસ્ટનું વધુ પ્રમાણ જારી રહેતા આજે ૬૯,૦૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રોજેરોજ ઊંચે જતાં કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ ૧૪૧૦ પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૨૦,૪૯૮એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૬ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૨૮૯એ પહોંચ્યો છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૫૨, સુરત ૧૧૦, જામનગર કોર્પોરેશન ૧૦૪, રાજકોટ કોર્પોરેશન ૯૮, વડોદરા કોર્પોરેશન ૯૪, બનાસકાંઠા ૪૮, મહેસાણા ૪૭, રાજકોટ ૪૬, વડોદરા ૪૧, કચ્છ ૩૪, મોરબી ૩૦, પંચમહાલ ૨૮, પાટણ ૨૭, અમરેલી ૨૬, ભરૂચ ૨૬, ગાંધીનગર ૨૫, જામનગર ૨૫, ગાંધીનગર કોર્પોરેશન ૨૩, અમદાવાદ ૨૧, જૂનાગઢ કોર્પોરેશન ૨૧, ભાવનગર કોર્પોરેશન ૨૦ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૬ જેટલા કેસ નોંધાવવા પામ્યા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ કોર્પોરેશન ૩, રાજકોટ-સુરતમાં ૪-૪ તથા વડોદરામાં ૩, ગાંધીનગરમાં બે વ્યક્તિનાં મૃત્યુ નિપજતા કુલ ૧૬ લોકોનાં મોત થયેલ છે જેને પગલે રાજ્યનો કુલ મૃત્યુઆંક વધીને ૩૨૮૯એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૦૧,૧૦૧ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કોરોનાના કુલ કેસમાંથી ૧૬,૧૦૮ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૮ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૬,૦૧૦ની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી છે. રાજ્યભરમાં કોરોના ટેસ્ટ વધુ પ્રમાણને લઈ આજદિન સુધીમાં કુલ ૩૬.૭૮ લાખ ટેસ્ટ કરવામાં આવેલ છે.