જેરૂસલેમ, તા.૧૪
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. દરમ્યાન સંક્રમણને રોકવા માટે શાળાઓ અને દુકાનો બંધ રખાશે. શુક્રવારથી શરૂ થનાર આ કોરોના લોકડાઉન દરમ્યાન ઇઝરાયલી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. નેતન્યાહુએ કહ્યું, ‘અમારું લક્ષ્ય કોરોના વાયરસને રોકવાનું અને સંક્રમણની સંખ્યાને ઘટાડવાનું છે. હું જાણું છું કે આ પગલાં માટે આપણે બધાએ એક મોટી કિંમત ચૂકવવી પડશે. આ કોઈ રજાઓ નથી કે લોકો સામાન્ય રીતે ટેવાયેલા છે.’ ઇઝરાયલમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ બીજીવાર લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે કોરોના સંક્રમણનો દર ઓછો થઇ જાય છે પરંતુ દેશના અર્થતંત્ર અને રોજગાર પર ગંભીર અસરો પડે છે. બીજી તરફ દેશમાં લોકડાઉન લાદવાનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે યહૂદી નવા વર્ષ પહેલા આ અઠવાડિયે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાના સરકારના નિર્ણયના વિરોધમાં રવિવારે એક ઇઝરાયલી મંત્રીએ રાજીનામું આપ્યું હતું. ઇઝરાયલમાં મહામારીની શરૂઆત દરમ્યાન આરોગ્ય મંત્રી રહી ચૂકેલા અને અત્યારે આવાસ મંત્રી યાકોવ લિત્જમેન એ અપેક્ષિત લોકડાઉન પગલાની ખૂબ જ ટીકા કરી અને કહ્યું હતું કે તેનાથી લોકોને ખૂબ મુશ્કેલી પડશે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં મહામારીના ૧,૫૦,૦૦૦થી વધુ કેસો નોંધાઇ ચૂકયા છે અને ૧૧૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.