(સંંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૧
જામનગરમાં ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હતાં, જેમાં વહીવટી તંત્ર દ્વારા અનેક પગલાં લઈ કેસને ઓછા કરવા અને લોકોને સંક્રમણથી બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.કલેક્ટર રવિશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનેક પ્રકારના પગલાંઓ દ્વારા વહીવટી તંત્ર સતત કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ લોકો તરફથી તંત્રને સહયોગ મળી રહ્યો નથી. વારંવારના અનુરોધ પછી પણ લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે, વર્ષાઋતુમાં લોકો બહાર પાણી જોવા નીકળી રહ્યા છે, ચાની દુકાનો પર એકઠા થઈ રહ્યા છે, બિનજરૂરી બહાર ફરી રહ્યાં છે જ્યાંથી તેઓ સંક્રમણના કેરિયર બનીને પોતાના પરિવારના વયસ્કો-વૃદ્ધો કે જેઓ પ૦થી વધુ ઉંમરના છે તેઓને પણ આ સંક્રમણ લગાવી રહ્યા છે. જેના કારણે તેમના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. આ બેદરકારીને પરિણામે ફરી જામનગરમાં ર૦થી ઉપર કેસ જોવા મળ્યાં છે. આમ કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમર્યાદિત કેસો જો બહાર આવશે તો લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે.લોકોની બેદરકારીએ જીવલેણ બની શકે છે. આ બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવો પડી શકે છે. ત્યારે લોકો વધુ સતર્ક રહી ઘરમાં રહે અને દરેક સુરક્ષા નિયમનું પાલન કરે.