(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દેશમાં હવે દરરોજ કોરોનાના આઠ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮,૧૭૧ નવા કેસ સામે આવ્યા છે અને બીમારીની ચપેટમાં આવીને ૨૦૪ લોકોનાં મોત નીપજ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૭૦૯ લોકો સાજા થયા છે. દેશમાં કુલ સંખ્યા ૨,૦૦,૦૦૦ને પાર થઈ છે. જેમાંથી ૫,૫૯૮ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે લગભગ ૫૦ ટકા એટલે તે ૯૫,૫૨૭ દર્દી કોરોનાની જંગ જીતી ચૂક્યા છે. અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૭,૫૮૧ છે. કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અહીં કુલ દર્દીઓનો આંકડો ૭૦ હજારને પાર કરી ગયો છે. અત્યાર સુધી ૨ હજાર ૩૬૨ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે ૩૦ હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. હજુ ૩૭ હજાર ૫૪૩ એક્ટિવ કેસ છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં અત્યાર સુધી ૨૩ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેમા ૧૮૪ લોકોના મોત નીપજ્યા છે. કોરોનાના કુલ કેસમાં દિલ્હી ત્રીજા નંબરે છે. અત્યાર સુધી અહીં ૨૦ હજાર ૮૩૪ કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં ૫૨૩ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૮૭૪૬ લોકો સાજા થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો ૧૭ હજાર ૨૦૦ થઈ ગયો છે જેમાં ૧૦૬૩ લોકોના મોત નીપજ્યા છે. રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા ૮૯૮૦ છે જેમાં ૧૯૮ લોકોના મોત નીપજ્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૮૨૮૩ છે જેમાં ૩૫૮ના મોત થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓનો આંકડો ૮૦૭૫ છે જેમાં ૨૧૭ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.