(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
વડોદરા શહેરમાં કોરોના વાયરસનાં આજે વધુ ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેના પગલે કોરોના વાયરસનાં કેસની સંખ્યા કુલ-૬ પર પહોંચી છે. શ્રીલંકા પ્રવાસે ગયેલા ૧૨ લોકોનાં ગ્રુપ પૈકી અગાઉ એક પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દિકરી અને પુત્રવધુનો કોરોનાં વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. જ્યારે બીજી બાજુ જ્યારે સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કામ કરતાં તબીબને પણ શંકાસ્પદ કોરોના વાયરસને પગલે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જોકે, તબીબનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ પોલીસ દ્વારા શહેરમાં ૧૧ ચેકપોસ્ટ સીલ કરી દીધી છે અને વડોદરામાં પ્રવેશ અને વડોદરામાંથી બહાર નિકળવા દેવામાં આવી રહ્યાં નથી. સાથે જ પોલીસ મદદ માટે એસ.આર.પી.ની બે કંપનીઓની પણ મદદ લેવાઇ છે. પોલીસે વગર કામે બહાર રખડતા લોકોને રોકી ૫૦૦ થી વધુ વાહનો ડીટેઇન કર્યા હતા.
શહેરમાં વધુ ત્રણ કોરોના વાયરસનાં પોઝીટીવ કેસો બહાર આવતા તમામને સયાજી હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ ૬ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં સયાજી હોસ્પિટલ ખાતે ૧૫૯ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૯ પુરુષો અને ૪૨ સ્ત્રીઓ છે.
જ્યારે ૩ દિવસ સુધી લોકડાઉન કરવાની જાહેરાત હોવા છતાં લોકો આજે સવારે રસ્તા પર નિકળી ગયા હતા. શરૂઆતમાં પોલીસે લોકોને ઘરોમાં જવા અપીલ કરી હતી. તેમ છતાં લોકો નહીં માનતા પોલીસે વાહનો ડીટેઇન કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પોલીસે બહાર નિકળેલા લોકોમાં ૫૦૦ થી વધુ ટુ વ્હીલર અને કાર ડીટેઇન કર્યા હતા. આ ઉપરાંત અમુક જગ્યાએ દુકાનો ખુલ્લી હોવાથી પોલીસે તાત્કાલીક દુકાનો બંધ કરાવી હતી.
શ્રીલંકાથી પરત આ પોઝિટિવ વ્યક્તિનાં સંપર્કમાં આવેલા અન્ય ૩૧ લોકોને તંત્ર દ્વારા કવોરનટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં ગઇકાલે મોતને ભેટેલા બે દર્દીઓનાં કોરોના વાયરસનાં રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ગોત્રી જનરલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા અન્ય ૫ દર્દીઓનાં રીપોર્ટ પણ નેગેટીવ આવ્યા હતા.

પ્રથમ પોઝિટિવ વ્યક્તિ પોલીસકર્મીઓને મળતા ખળભળાટ

વડોદરા શહેરમાં સૌપ્રથમ કેસ સ્પેનથી આવેલા વડોદરાના નાગરીકનું નોંધાયો હતો. આ યુવાન વડોદરા ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં કામ અર્થે ગયો હતો અને ક્રાઇમ બ્રાંચનાં પી.આઇ. અને ચાર પોલીસકર્મીઓને મળ્યો હોવાનું જણાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલીક ક્રાઇમ બ્રાંચનાં પી.આઇ. અને ચાર પોલીસકર્મીઓને હોમ કવોરનટાઇન કરવામાં આવ્યા છે.

કચ્છમાં પણ એક મહિલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જિલ્લામાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા ૧૧ થઈ

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.ર૩
ગુજરાતમાં કોરોના વાયરસનું પ્રમાણ વધી રહ્યું છે. તેની સાથે જ કચ્છમાં પણ એક મહિલાને કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે દરમ્યાન કચ્છમાં વધુ એક યુવતીમાં કોરોના શંકાસ્પદ જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
તાજેતરમાં આફ્રિકાથી પરત આવેલી એક યુવતીને શરદી-ખાંસી જેવા લક્ષણો જણાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરી પરીક્ષણ માટે તેના સેમ્પલ લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે.
હેલ્થ ઓફિસર ડો.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે, હવે કચ્છમાં કોરોનાના શંકાસ્પદ કેસની સંખ્યા ૧૧ થઈ છે.

જિલ્લાના ૧૫ હજારથી વધુ ઉદ્યોગો થંભી ગયા

વડોદરા શહેર અને જિલ્લાનાં ૧૫ હજારથી વધુ નાના-મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો થંભી ગયા છે. જોકે, નંદેશરી ઔદ્યોગિક એકમમાં કેટલીક કંપનીઓ ચાલું રહી છે. ઔદ્યોગિક એકમો ૨૩મી માર્ચથી ૨૫ માર્ચ સુધી કોરોના વાયરસને રોકવા સ્વૈચ્છીક શટડાઉન એટલે કે, ઉદ્યોગબંધી પાડશે. જેમાં આ એકમોમાં કામ અને ઉત્પાદન બંધ રહેવા છતાં માનવિય અભિગમ દાખવીને તેમના કામદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓનું વેતન કાપવામાં નહીં આવે. સાથે જ આ શટડાઉનમાં ફાર્મા, માસ્ક, એ.પી.આઇ. સહિત જીવન આવશ્યકચીજવસ્તુઓનાં ઉત્પાદક એકમોને બાકાત રાખવામાં આવ્યા છે.