(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચ્યો છે અને ભારતમાં પણ આ રોગથી લોકોને બચાવવા કેન્દ્ર સરકારે રવિવારે ૨૨ માર્ચના રોજ એક દિવસનો જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે. આ દરમિયાન દેશની બધી ૩૭૦૦ ટ્રેનો તથા તમામ પ્રકારની પરિવહન સેવા બંધ રહેનાર છે. આના માટે તમામ રાજ્યોએ પણ તૈયારી કરી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ જનતા કર્ફ્યુ રાખવા માટેની તૈયારી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધીને ૩૦૦ની નજીક પહોંચી ગયા છે અને ચાર લોકોના મોત પણ થયા છે. સવારે સાત વાગ્યાથી લઇને રાત્રે નવ વાગ્યા સુધી ઘરમાં રહેવા માટે તમામ લોકોને કહેવામાં આવ્યુ છે. કોઇ ઘરમાં ઇમરજન્સી આવે તો ઘરની બહાર નિકળી શકો છો. પોલીસ, મિડિયાવાળા, તબીબો ઘરથી બહાર નિકળી શકે છે. સફાઇની જવાબદારી ધરાવતા લોકો પણ ઘરની બહાર નિકળી શકે છે.
પીએમ મોદીએ કહ્યું છે કે સાંજે પાંચ વાગે બારી બારણા પર ઉભા થઇને તબીબો, પોલીસ જવાનો અને મિડિયાના લોકોને પાંચ મિનિટ માટે આભાર માનવામાં આવે તે જરૂરી છે. સાંજે પાંચ વાગે સાયરન મારફતે લોકોને આની સુચના આપવા માટે કહેવામાં આવ્યુ છે. એકબાજુ રેલવે દ્વારા રવિવારના દિવસે દેશભરમાં ૩૭૦૦ ટ્રેનો ન દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે. આવી જ રીતે દેશની બે મોટી વિમાન કંપનીઓ ઇન્ડિગો અને ગોએરે આશરે એક હજાર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રવિવારના દિવસે રદ કરવામાં આવેલી ટ્રેનોમાં પેસેન્જર ટ્રેનની સાથે સાથે લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સામેલ છે. રેલવેના કહેવા મુજબ શનિવાર અને રવિવારના દિવસે રાત્રે ૧૦ વાગ્યા બાદથી દેશમાં કોઇ પણ સ્ટેશનથી કોઇ પણ મેલ અને પેસેન્જર ટ્રેન દોડનાર નથી. રેલવે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નાઇ અને સિકંદરાબાદમાં ઉપનગરીય રેલવે સેવામાં પણ મોટા પાયે ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવે બોર્ડ પોતાના તમામ વિભાગને અને તમામ રેલવે ઝોનને એ અંગે નિર્ણય કરવા કહ્યુ છે કે તે રવિવારના દિવસે ઓછામાં ઓછી કેટલી ટ્રેનો ચલાવશે. જનતા કર્ફ્યુ મારફતે સરકાર આ બાબતની ખાતરી કરવા માટે ઇચ્છુક છે કે કોરોનાનો અસર વધશે તો લોકડાઉનની સ્થિતી માટે દેશના લોકો કેટલી હદ સુધી તૈયાર છે. રેલવે દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે રવિવારના દિવસે ૨૪૦૦ ટ્રેનો રદ થઇ જશે. અંદાજ મુજબ ૧૩૦૦ મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો રવિવારે બંધ રહેનાર છે. આશરે ૧૦૦૦ ફ્લાઇટ પણ બંધ રહેનાર છે. વિશ્વના દેશોમાં કોરોના વાયરસના કારણે કુલ કેસોની સંખ્યા હવે ૨,૭૬,૧૭૯ ઉપર પહોંચી ગઇ છે.
બીજી બાજુ ચીનમાં મોતનો આંકડો ૩૨૫૫ સુધી પહોંચી ગયો છે. ચીનમાં કોઇ નવા કેસો સપાટી પર આવ્યા નથી. જો કે પહેલાથી જ ગંભીર રહેલા દર્દીઓ પૈકી વધુ ૪૧ દર્દીના મોત થયા છે. ચીનમાં હજુ ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૧૯૨૭ છે. સ્થિતી હવે ચીનમાં ઝડપથી સુધરી રહી છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.