(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
પીએમ કેયર્સ (પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચુએશન) ફંડ ટ્રસ્ટે બુધવારે નિર્ણય લીધો છે કે, આશરે ૩૧૦૦ કરોડ રૂપિયાની રકમ કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇ માટે આપવામાં આવશે. ૩૧૦૦ કરોડ રૂપિયામાંથી આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા વેન્ટીલેટરની ખરીદી પર, ૧,૦૦૦ કરોડ રૂપિયા પ્રવાસી મજૂરોની રાહત માટે અને ૧૦૦ કરોડ રૂપિયા કોરોના વાયરસની વેક્સિન વિકસાવવા માટે અપાશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટની સ્થાપના ૨૭ માર્ચ ૨૦૨૦ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી, ગૃહમંત્રી અને નાણા મંત્રી આ ટ્રસ્ટના સભ્યો છે. ફંડનીજાહેરાત કરતા સમયે વડાપ્રધાન મોદીએ ફંડમાં દાન આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.
કોરોના વાયરસ વિરૂદ્ધના જંગમાં ભારતના મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત ૫૦,૦૦૦ વેન્ટિલેટર ખરીદાશે જેના માટે કુલ ૨,૦૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવાઇ છે. આ વેન્ટિલેટર તમામ રાજ્યોની સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવાશે. બીજી તરફ પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે જેમાં ગરીબો અને પ્રવાસી મજૂરોની ભલાઇ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ૧,૦૦૦ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ રકમ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટર, નિગમ કમિશનરને અપાશે. જેની મદદથી ગરીબ અને મજૂરો માટે રહેવાની સુવિધા, ભોજનની સુવિધા, મેડીકલ સુવિધા અને પ્રવાસની સુવિધા પૂરી પાડી શકાય. રાજ્યની વસ્તી, કોરોના દર્દીઓની સંખ્યા અને દરેક રાજ્યના હિસ્સાની રકમ અનુસાર ફંડ ફાળવાશે. ફંડ સીધી રીતે રાજ્યના ઇમરજન્સી રાહત કમિશનર દ્વારા ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ, મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચાડાશે. કોરોના માટે વેક્સિનના વિકાસની વાત કરવામાં આવે તો હાલમાં કોરોના વાયરસ વેક્સિન પર કામ ચાલુ છે. તમામ એકેડેમિક જગત, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ જગતના લોકો આ વેક્સિનના વિકાસ માટે કામ કરી રહ્યા છે. વેક્સિનની ડિઝાઇન અને વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવાઇ છે.