(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
સરકારી હોસ્પિટલોમાં કોરોના સિવાયની તમામ અન્ય બીમારીઓની સારવાર પુનઃ ક્ષમતાથી શરૂ કરવા, અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર માટે માન્ય કરાયેલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ખાલી બેડની ઉપલબ્ધતા અને આઈસીયુ વેન્ટીલેટરની માહિતી ઓનલાઈન મૂકવા તથા મહામારી ઉપર કાબૂ મેળવવા અગ્રેસિવ ટેસ્ટીંગની નીતિ અપનાવવા સહિતની અનેક માગણીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્યો સહિતના પ્રતિનિધિમંડળે રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને રૂબરૂ મળી આવેદનપત્ર સુપરત કર્યું હતું. આજરોજ ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમની કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, હિંમતસિંહ પટેલ, ઈમરાન ખેડાવાલા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નિશીત વ્યાસે ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૪ર જેટલી ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેડ કરી પ૦ ટકા બેડ પોતાના હસ્તક રિઝર્વ રાખ્યા છે જ્યારે પ૦ ટકા બેડ ખાનગી હોસ્પિટલો માટે ખુલ્લા રાખેલ છે તેવા સંજોગોમાં હોસ્પિટલોમાં કુલ કેટલા બેડ છે તેની માહિતી સહિત કયા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ છે ત્યાં કોર્પો. હસ્તક કેટલા બેડ ખાલી છે ? કેટલા આઈસીયુ બેડ છે, કેટલા વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા અંગેની માહિતી ઓનલાઈન મૂકવી જોઈએ. શહેરની સરકારી હોસ્પિટલોમાં કોઈ કોરોનાના શંકાસ્પદ દર્દી દાખલ થવા જાય તો તેના લક્ષણોના આધારે તેને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા પછી તેનો ટેસ્ટ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો તેને કોરોના વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે પણ શહેરની ૪ર ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવાની કે તેમના ટેસ્ટ કરવાની કોઈ જ વ્યવસ્થા ઊભી કરાઈ જ નથી. જો શંકાસ્પદ દર્દી દાખલ થવા જાય તો તેને દાખલ કરાતો નથી અને ટેસ્ટ પણ થતો નથી. આ વિલંબમાં દર્દીના જીવ પર જોખમ ઊભું થાય છે. આથી યોગ્ય કરવું જોઈએ. શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે પણ આ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ સ્પષ્ટ નીતિ નથી. અમદાવાદ મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને દાખલ કરવાની સત્તા ઝોનદીઠ ડે.હેલ્થ ઓફિસરને આપેલ છે પણ આ ડેપ્યુટી હેલ્થ ઓફિસરો તેમના ઝોનના દર્દીઓને દાખલ કરવા માટે ભલામણ કરે છે જ્યારે સ્થિતિ એવી છે કે, શહેરના મધ્ય ઝોન, પૂર્વ ઝોન તેમજ ઉત્તર ઝોનમાં દર્દીઓ વધારે છે જ્યારે ખાનગી હોસ્પિટલો ઓછી છે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં કેસ ઓછા છે અને ખાનગી હોસ્પિટલો વધુ છે. આથી સ્થિતિ એવી સર્જાઈ છે કે અન્ય ઝોનના કોરોના પોઝિટિવ દર્દીઓને પશ્ચિમ વિસ્તારની ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં દાખલ કરાતા નથી તેના જીવન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો છેદ ઉડે છે. રાજકીય લાગવગ કે કોન્ટેક્ટ ધરાવતા દર્દીઓને સરળતાથી એડમિશન મળી જાય છે તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓએ કલાકો સુધી રઝળવું પડી રહ્યું છે. સરકારે ૪ર ડેઝિગ્નેડ હોસ્પિટલોમાં જરૂરી ટેસ્ટીંગ કરવાની ક્ષમતા હોય તેમને તાત્કાલિક ટેસ્ટીંગની પરવાનગી આપવી જોઈએ. કોઈપણ દર્દીને કોરોના સિવાયની અન્ય બીમારી હોય કે ગર્ભવતી મહિલા સારવાર લેવા જાય તો સરકારી હોસ્પિટલોમાં હાર્ટ, કીડની, કેન્સર સહિત અન્ય ગંભીર બીમારીઓમાં તાત્કાલિક સારવાર મળવી જોઈએ. પરિણામે કોરોના સંક્રમણથી જે લોકોના મૃત્યુ થાય છે તેનાથી વધુ મૃત્યુ તો અન્ય બીમારીની સારવાર સમયસર ન મળતા થઈ રહ્યા છે.