(એજન્સી) લખનૌ તા.૬
શુક્રવારે પ્રયાગરાજની એક વિશેષ અદાલતે ઉત્તરપ્રદેશ સરકારને કેસ પાછો ખેંચવાની અરજી માટે મંજૂરી આપી હતી. આ કેસ કોશંબી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ૨૦૧૧ના વર્ષમાં નોંધાયેલા હતો જેમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને તેના ચાર સમર્થકો સામે નફરત ફેલાવવા અને હુમલો કરવાના આક્ષેપો હતા. મૌર્ય તે સમયે ભાજપના નેતા હતા અને આંદોલન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમની અને તેમના સમર્થકો સામે બીજા સમુદાયના યુવક પર હુમલો કરવા અને તેની વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો. રાજ્ય સરકારે ૨૦૧૮માં કેસ પાછો ખેંચવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સંબંધિત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સરકારી વકીલ ગુલાબચંદ અગ્રિહારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે વિશેષ ન્યાયાધીશ બાલ મુકુંદે સરકાર દ્વારા દાખલ થયેલ અરજી પર કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી હતી જેમાં મૌર્ય અને અન્ય ચાર લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અન્ય ચાર આરોપીઓ વિભુતી નારાયણ સિંહ, જયચંદ્ર મિશ્રા, યશપાલ કેસરી, પ્રેમચંદ ચૌધરી છે. તમામ આરોપીઓ જામીન પર છે. અગ્રિહારીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર, ૨૦૧૧માં તત્કાલીન સરકારના કાર્યો અને નીતિઓ સામેના વિરોધ દરમિયાન એક યુવક જે તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના પર આરોપીઓએ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. યુવકે વાંધો ઉઠાવતા આરોપીઓએ તેને માર માર્યું હતું. પોલીસની ટીમ આવી હતી અને પીડિતને બચાવ્યો હતો. ત્યારે મામલો થાળે પડ્યો હતો. આઈપીસીની વિવિધ કલમો હેઠળ પાંચ લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એક આરોપી દેવેન્દ્રસિંહ ચૌહાણનું ૨૦૧૫માં મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.