(એજન્સી) અમદાવાદ, તા.૨૪
અમદાવાદની એક કોર્ટે ૨૦૧૮ના હત્યા કેસના આરોપીનો નાર્કો ટેસ્ટ કરાવવા મંજૂરી આપી. આરોપી જીતેન્દ્ર ભદોરિયાએ કોર્ટમાં અરજી આપી નાર્કો ટેસ્ટ કરાવવા માંગણી કરી હતી. જેના પગલે કોર્ટે નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. જે તારીખે ગાંધીનગરની એફએસએલ ટેસ્ટ યોજેએ દિવસે તપાસ અધિકારીને ટેસ્ટ દરમિયાન હાજર રહેવા કોર્ટે નિર્દેશો આપ્યા હતા.
એ સાથે કોર્ટે આરોપીના વકીલને પણ તપાસ અધિકારી સાથે ટેસ્ટ દરમિયાન હાજર રહેવા પરવાનગી આપી હતી. નાર્કો ટેસ્ટ થયા પછી રિપોર્ટ રજૂ કરવા કોર્ટે નિર્દેશો આપ્યા હતા. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે હત્યાના સમયે અરજદાર હત્યાના સ્થળ ઉપર હાજર ન હતો તે પત્ની સાથે આ સ્થળથી ૧૦ કિ.મી. દૂર હતો. વકીલે જણાવ્યું કે અરજદારે તપાસ અધિકારીને કહ્યું હતું કે તેઓ આ હકીકત બાબત પાડોશીઓના નિવેદનો લે અને એમના કોલ રેકર્ડસની પણ તપાસ કરે પણ તપાસ અધિકારીએ બંને વસ્તુઓ કરી ન હતી. વકીલે વધુમાં જણાવ્યું હતું કે મરનારે મૃત્યુ પહેલા સિવિલ હોસ્પિટલમાં નિવેદન આપ્યું હતું જેમાં અન્ય આરોપીઓના નામો જણાવ્યા હતા પણ અરજદાર આરોપીનું નામ જણાવ્યુ ન હતું. સરકારી વકીલે નાર્કો ટેસ્ટ બાબત કોઈ વાંધો રજૂ કર્યો ન હતો અને એ માટે કોર્ટે બધા પાસાઓને ધ્યાનમાં લઇ નાર્કો ટેસ્ટ કરવવા પરવાનગી આપી હતી.
૫ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ અમુક વ્યક્તિઓએ ૩૦ વર્ષીય ચંદનકુમારની અસારવા રેલવે લાઈન પાસે હત્યા કરી હતી. ઘટના પછી હાલના અરજદાર આરોપી સાથે અમુક અન્ય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.