(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
પાલિકાની સમગ્ર સભામાં સ્માર્ટ સિટીના નામે ખોટી રીતે ચઢાવવામાં આવતા પ્રોજેકટ સામે કોર્પોરેટર અમી રાવતે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી થતા કામો પણ સ્માર્ટ સિટીના નામે ચઢાવવામાં આવે છે જે ખોટું છે.
પાલિકાની મળેલી સભામાં કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે જણાવ્યું હતું કે, વેબસાઇટ પર સ્માર્ટ સિટીના નામે ખોટા ટેન્ડરો મંગાવવામાં આવે છે. હકીકતમાં જે કામ કોર્પોરેશન કરી રહી છે તેને લોકો સમક્ષ સ્માર્ટ સિટીના નામે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે. સુરસાગર તળાવમાં બ્યુટીફીકેશન પાછળ થઇ રહેલ તમામ ખર્ચો કોર્પોરેશન કરી રહી છે. તેમ છતાં સત્તાધિશો તેને સ્માર્ટ સિટીનાં પ્રોજેકટના નામે ગણાવી રહ્યાં છે. આ માટે આપણે ૧૫ કરોડની ડિપોઝીટ તોડીને ૫૫ કરોડ ભર્યા છે. પરંતુ તેનો કોઇ હિસાબ આપતું નથી. સ્માર્ટ સિટીનું માળખું હજુ સુધી સભામાં મંજૂર કરાયું નથી. કંપની કેટલા સમય માટે બનાવવામાં આવી છે તે અંગે કોઇ સભાસદ જાણતા નથી. ગોત્રી ગાર્ડનની બાજુમાં જે બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવી છે. જે કોર્પોરેશને પોતાના ખર્ચે કરાવી છે. તેમ છતાં વેબસાઇટ પર સ્માર્ટ સિટીમાં તેનું ટેન્ડર મુકવામાં આવ્યું હતું. આમ સ્માર્ટ સિટીના નામે ખોટી રીતે ટેન્ડર પણ મંગાવવામાં આવતા હોવાનું તેમને ધ્યાને લાવ્યું હતું. સ્માર્ટ સિટી માટેની જે બુકલેટ તૈયાર કરવામાં આવી તેમાં પણ પાલિકાની ગ્રાન્ટમાંથી તૈયાર થતા પ્રોજેકટોની તસ્વીર રજૂ કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.
વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના નામે જે કામો કરવામાં આવે છે તેમાં સભા કે કોઇપણ સભાસદને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત માત્ર ચોક્કસ વિસ્તારના પ્રોજેકટને જ હાથ પર લેવામાં આવે છે. જો સ્માર્ટ સિટી અંગેની તમામ વિગતો સભામાં લાવવામાં આવે તો તેમાં ઉભી થતી ત્રુટીઓ દૂર કરી શકાય તેમ છે.
ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ સુરસાગરનું કામ સ્માર્ટ સિટીમાં જ લેવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી તે કામને સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી તૈયાર કરવાનો નિર્ણય થયો હતો. રૂા.૩૪ કરોડના ખર્ચે કામ થઇ રહ્યું છે.

અધિકારીઓ કોર્પોરેટરને ગાંઠતા નથી, તેમના સૂચન પ્રમાણે કામ કરતા નથી

વડોદરા, તા.૧૯,
સમગ્ર સભામાં અધિકારીઓ કોર્પોરેટરને ગાઠતા નથી અને તેમના સૂચન પ્રમાણે કામગીરી કરતા નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જે સામે મેયરે તમામ કોર્પોરેટરને વિશ્વાસ અપાવ્યો હતો કે મારી કમિશ્નર સાથે આ મામલે વાતચીત થઇ ગઇ છે અને ફોગીંગ અને અન્ય પ્રજાલક્ષીની કામગીરીની તમામ વિગતો વોર્ડ અધિકારી દ્વારા કોર્પોરેટરને નિયમીત આપવામાં આવશે. પ્રથમ દિવસથી જ મે તેમને ડિપાર્ટમેન્ટમાં કયાં ખામી છે અને તે કેવી રીતે સુધારી શકાય તે મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમ છતાં હજુ કોઇ જગ્યાએ ક્યાંક કચાશ હશે તો તેને દૂર કરવામાં આવશે.

ચોખ્ખા પાણી માટે એક અધિકારી રૂા.પ૦૦ ઉઘરાવતો હોવાનો આક્ષેપ

વડોદરા, તા.૧૯,
સમગ્ર સભામાં ફરીદ લાખાજી (કટપીસ)એ રજૂઆત કરી હતી કે, અગાઉ અમારા વોર્ડમાં ગંદુ પાણી આવતું ન હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે. જે પાછળ ચોક્કસ ષડયંત્ર છે. અમારા વિસ્તારનો એક અધિકારી ચોખ્ખુ પાણી આપવા માટે લોકો પાસેથી રૂા.૫૦૦-૫૦૦ ઉઘરાવે છે તેવી મને ફરિયાદ મળી છે. આ માટે મે કમિશ્નરને પત્ર લખી તેની સામે વિજીલન્સની તપાસની પણ માગણી કરી છે. જે સામે મેયરે જણાવ્યું કે, જો કોઇ અધિકારી પાણી માટે લોકો પાસેથી પૈસા માંગતો હોય તો તેના પુરાવા લાવો તો ચોકકસ તપાસ કરાવીશું. જે સામે ફરીદે જણાવ્યું હતું કે, આ માટે હું પૈસા આપનાર લોકોને કમિશ્નર સમક્ષ લાવવા તૈયાર છું અને તેની ઓળખ પરેડ કરાવી શકું તેમ છું.