અમદાવાદ,તા.૩
અમદાવાદ શહેરના રાયપુર ખાતે વકફની જમીન ઉપર ભાડે આપેલી દુકાનને એએમસીએ તોડી પાડતા વિવાદ સર્જાયો છે. કેમકે વકફની જમીન ભાડા કરારથી આપી હોવાથી તેના ઉપર દુકાન બનાવવા સહિતની તમામ જવાબદારી ભાડૂઆતની હતી. તેમ છતાં દુકાન ઉપર ગેરકાયદે કબ્જે કરીને તેનું ખોટી રીતે રિનોવેશન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાદ હરકતમાં આવેલા એએમસી તંત્રએ દુકાનને તોડી પાડી હતી. ત્યારે આ મામલે જમીન જેના તાબા હેઠળ છે. તેવી સુન્ની મુસ્લિમ વકફ કમિટી મગનું નામ મરી પાડતી નથી. જેને લઇને વિવાદ છેડાયો છે.
શહેરના રાયપુર ચકલા પાસે વકફની જમીન ખંડેર હાલતમાં પડી હતી તેને ભાડે લેવા માટે એક સ્થાનિક વેપારીએ તૈયારી બતાવી હતી. ત્યારબાદ તેણે સુન્ની મુસ્લિમ વકફ કમિટી સાથે રાયપુર ચકલા સ્થિત વકફની જમીન ભાડે લેવા કરાર કર્યો હતો. આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ ભાડૂઆત લલિતભાઇ રાયપુરની વકફની જમીન ઉપર દુકાન બનાવીને તેને ભાડે લેવા માટે સુન્ની મુસ્લિમ કમિટી પાસે ભાડા કરાર કર્યો હતો. જેમાં ખંડેર જમીન ઉપર દુકાન બનાવવાનો તમામ ખર્ચ ભાડૂઆતને ઉઠાવવાનો હતો. એટલે તેમણે આ વકફની જમીન ઉપર ભાડૂઆતએ પોતાના ખર્ચેથી દુકાન બનાવી હતી. તેમજ કરાર કર્યો તે દિવસથી વકફ કમિટીને દુકાનનું ભાડુ આપતો હતો. ત્યારે કોઇએ ખોટી ફરિયાદ કરી હશે એટલે એએમસીએ ભાડાની દુકાન તોડી પાડી. બીજી તરફ સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ એએમસીએ દુકાન તોડી પાડવાના બનાવ બાદ દુકાનનો ભાડા કરાર રદ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ દુકાનના ભાડા પેટે ભાડૂઆતએ આપેલા કેટલાક ચેક પણ વકફ કમિટીએ હજુ સુધી ભર્યા નથી. ત્યારે કયાંકને કયાંક વકફ કમિટીના સભ્યો પણ દુકાનનો ભાડા કરાર રદ થાય તેમાં રસ છે કે પછી બીજા કશામાં ???
જો કે આ સમગ્ર મામલે ‘ગુજરાત ટુડે’ દ્વારા સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઇ શક્યો નહીં. ત્યારે ગુજરાત ટુડેના પ્રતિનિધીએ વકફ કમિટીની મુલાકાત લઇને સમગ્ર મામલે માહિતી માંગી હતી પરંતુ કમિટીના સેક્રેટરીએ આ મામલે જવાબ આપવાની સ્પષ્ટ ‘ના’ પાડી હતી અને આ મામલે ટ્રસ્ટી જવાબ આપી શકશે કહીને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. ત્યારબાદ ટ્રસ્ટીને મળવા માટે ચોક્કસ સમયે આવવાનું કહ્યું છતાં ટ્રસ્ટી કે પ્રમુખ મળ્યા નહીં. આમ વકફ કમિટીએ સમગ્ર મામલે ઢાંકપિછોડો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.