(એજન્સી) તા.૪
શ્રીલંકાની સેનાના વડા લે.જનરલ મહેશ સેનાનાયકે કહ્યું હતું કે કોલંબોમાં ઈસ્ટર નિમિતે થયેલા વિસ્ફોટોમાં સંડોવાયેલા કેટલાક આતંકવાદીઓ ભારતના પ્રવાસે ગયા હતા. શક્ય છે કે તેઓ આતંકવાદની તાલીમ મેળવવા માટે ભારત ગયા હતા. તેમણે એક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે તેઓ ભારત ગયા હતા. અમને મળેલી માહિતી મુજબ તેમણે બેંગ્લુરૂ, કાશ્મીર અને કેરળનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ કદાચ તાલીમ માટે અથવા દેશની બહાર રહેલા અન્ય સંગઠનો સાથે સંબંધ સ્થાપિત કરવાનો હતો. તેમાંથી બે આતંકવાદીઓએ ર૦૧૦માં ભારતનો પ્રવાસ કર્યો હતો. જો કે કેન્દ્રીય ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે શ્રીલંકાની સેનાએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે આ વિસ્ફોટોનો મુખ્ય શકમંદ અને માસ્ટરમાઈન્ડ મૌલવી ઝાહરાન બિન હાશિમે ભારતની મુલાકાત લીધી હતી.