(એજન્સી) કોલકાતા, તા. ૧૫
કોરોનાને કારણે ફેલાયેલી મહામારીએ દેશ અને દુનિયામાં અનેક મોટી સમસ્યાઓ ઊભી કરી છે. આમાંથી દર્દીઓને રાખવા માટે જગ્યાની ઉણપ મોટી સમસ્યા છે. જોકે, કોલકાતાના ઇમામે અનોખી પહેલ કરતા મસ્જિદના એક ભાગને જ ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવાની ઓફર કરી છે. બંગાલી બજારના નામથી વિખ્યાત ગૌસિયા જામા મસ્જિદના ઇમામે બુધવારે કોલકાતા નગર નિગમની સમસ્યા એક ઝાટકે ઉકેલી દીધી હતી.
કોરોના સંક્રમણના દર્દીઓની વધતી સંખ્યાને જોતાં નિગમો ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવા માટે જગ્યાની શોધખોળ આદરી હતી. કોઇક રીતે આ સમાચાર જામા મસ્જિદના ઇમામ સુધી પહોંચી ગયા હતા. તેમણે આયરન રોડ પર આવેલી મસ્જિદના ત્રીજા ફ્લોરને ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી હતી. ઇમામ કારી મોહમ્મદ મુસ્લિમ રિઝવીએ કહ્યું કે ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે અમે છ હજાર સ્કવેર ફૂટની જગ્યા આપી રહ્યા છીએ. જો નિગમ કર્મીઓને વધુ જગ્યાની જરૂર હશે તો તેની પણ વ્યવસ્થા કરવા માટે અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે, મસ્જિદના એક ભાગને ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે આપવા માટે સહમતીથી પહેલ કરવામાં આવી છે. આ અંગે પોલીસ અને નિગમ કર્મચારીઓ વચ્ચે વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવાયો હતો. એટલે સુધી કે વિરોધને શાંત કરવા માટે આજુ બાજુના લોકો સાથે પણ ચર્ચા કરાઇ હતી. તેમણે કહ્યું કે અત્યારે મસ્જિદ હંગામી ધોરણે બંધ છે. દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા ઓછા સમયમાં લોકો સાથે મુલાકાત કરીને સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. હાલ તેમણે પોતાના નિર્ણય અંગે તંત્રને જાણ કરી દીધી છે. આયરન ગેટના કાઉન્સિલર શમ્સ ઇકબાલે કેએમસી સાથે વાત કરવાની પહેલ કરીને કહ્યું કે, તેમનો પરિવાર લાંબા સમયથી મસ્જિદના વિકાસના કામોમાં સંકળાયેલો છે. જ્યારે મોટાભાગના લોકો અત્યારે ઘરમાં જ નમાઝ પઢી રહ્યા છે ત્યારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મેં આ પહેલ કરી હતી. મને ખુશી છે કે, સ્થાનિક લોકો અને ઇમામ રિઝવીએ આ વિચારને વધાવી લીધો છે.