(એજન્સી) તા.૩
કદાચ દિલ્હી પોલીસે રાજધાનીમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા જેના કારણે ફાટી નીકળેલી હિંસામાં ૪૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ કોલકાતા પોલીસે ગૃહમંત્રીની રેલીમાં આ પ્રકારનો સૂત્રોચ્ચાર કરનાર ભાજપ કાર્યકરો પ્રત્યે કડકાઈ દર્શાવી હતી. કોલકાતા પોલીસે ગૃહમંત્રીની રેલીમાં ‘‘ગોલી મારો સાલો કો’’ સૂત્રોચ્ચાર કરવા બદલ ભાજપના લીગલ સેલના ૩ કાર્યકરોની ધરપકડ કરી હતી. આ ત્રણ કાર્યકરોની ઓળખ સુરેન્દ્રકુમાર તિવારી ધ્રુબા બાસુ અને પંકજ પ્રસાદ તરીકે થઈ છે. ભાજપનો ધ્વજ હાથમાં લઈ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરતાં ભાજપ કાર્યકરોનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ તેમની સામે એફઆઈઆર દાખલ થતાં કોલકાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મમતા બેનરજીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરનાર ભાજપના નેતાઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી નથી પરંતુ કોલકાતામાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા બદલ ગઈ કાલે રાત્રે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા પોલીસની જેમ દિલ્હી પોલીસે ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ વલણને કારણે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને ઠપકો પણ આપ્યો હતો પરંતુ રમખાણો દરમિયાન દિલ્હી પોલીસની ભૂમિકાની ટીકા કરનાર જજની બદલી કરી તેમને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા.