(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
યુનિવર્સિટીઓની વિવિધ કોર્સની અંતિમ વર્ષ, સેમેસ્ટર અને અન્ય ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવાની માંગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. અરજદારે રાજ્યના શિક્ષણ વિભાગના ૨૪ મેના ઠરાવને પડકાર્યો છે અને તેને રદ કરવાની માગ કરી છે. હાઇકોર્ટ સરકારી વકીલને સૂચના આપી છે કે આ અંગે માહિતી મેળવીને રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી ૨૨ જૂનના રોજ હાથ ધરાશે.
હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ૨૯ એપ્રિલે યુજીસીએ જે નિર્દેશો આપ્યા છે, તે મુજબ કોરોના અંગે સાવચેતીના તમામ પગલાં લીધા બાદ યુનિવર્સિટી ફિઝિકલ પરીક્ષા લે. જો કે, યુનિવર્સિટીઓ દ્વારા આ પ્રકારની સાવચેતી ના કોઈ પગલા લેવામાં આવ્યા નથી. કોરોનાના સંકટ કાળમાં જો ફિઝિકલ પરીક્ષા લેવાશે, તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફને ચેપ લાગવાનો ભય રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિર્દેશો આપેલા છે કે કોરોનાની મહામારી ના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓની વહીવટી કામગીરી ચાલશે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી શકાશે નહીં. આ નિર્દેશ રાજ્ય સરકારને પણ લાગુ પડે છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની ફિઝિકલ પરીક્ષાનું આયોજન હાલ કરી શકાય નહીં.
આ ઉપરાંત કોરોનાના લીધે મોટા શહેરોમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સહિતની જગ્યાઓ ખાલી કરવામાં આવેલી છે. હવે જો પરીક્ષા શરૂ થશે તો આ સંજોગોમાં તેમને રહેવાની તકલીફ સર્જાશે. તેથી રાજ્ય સરકારના ઠરાવને રદ કરો અને પરીક્ષા એક માસ બાદ અથવા તો થોડા સમય પછી લેવાશે તો સરકારને કોઈ નુકસાન થશે નહીં.