અમદાવાદ,તા.પ
ગુજરાતમાં શિક્ષણ પધ્ધતિમાં ફરી એકવાર ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજયની શિક્ષણ પધ્ધતિમાં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કર્યાના સાત વર્ષના ગાળામાં જ આ સિસ્ટમ નિષ્ફળ પુરવાર થતા ગુજરાત સરકારે થોડા સમય અગાઉ જ શાળાઓમાં દાખલ કરેલી સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ હવે કોલેજોમાં પણ આ સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એટલે રાજયની કોલેજોમાંથી સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાની સરકાર દ્વારા હિલચાલ થઈ રહી છે.
ગુજરાતમાં વર્ષોથી શિક્ષણનો એક સરખો ઢાંચો ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાતમાં મોદી સરકારે આવ્યા બાદ તમામ સ્તરે કરવામાં આવેલા સુધારાને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં પણ સુધારા કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગના તત્કાલિન પ્રિન્સિપાલ સેક્રેટરી હસમુખ અઢિયા અને તત્કાલિન શિક્ષણ કમિશનર જયંતી રવિએ સાથે મળીને રાજયના વિદ્યાર્થીઓની વર્તમાન શિક્ષણ પધ્ધતિમાં ફેરફાર કરીને ધોરણ-૧૧-૧ર સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી હતી. આ સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સરળતાને બદલે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તેમાં ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર પણ અસરો થવા લાગી હતી. ત્યારે ગુજરાતમાં સેમેસ્ટર પધ્ધતિ સામે જોરદાર વિરોધનું વાતાવરણ છેલ્લા કેટલાય સમયથી ઉભું થયું છે કેટલાક સમયથી વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ પણ સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સેમેસ્ટર સિસ્ટમનો મુદ્દો ગંભીરતાથી લઈને અગાઉ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધો.૧૧ અને ૧રમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હવે કોલેજોમાં પણ સેમેસ્ટર પધ્ધતિ દૂર કરવા અથવા તો તેમાં સુધારા કરવા માટેની દિશામાં શિક્ષણ વિભાગે તજવીજ હાથ ધરી છે.
યુનિ. કુલપતિઓ સેમેસ્ટર મુદ્દે ૧પ દિ’માં સરકારને અભિપ્રાય આપશે

રાજ્યની કોલેજોમાં અપાતા શિક્ષણમાં હાલની સેમેસ્ટર પદ્ધતિ સંદર્ભે આવતી અનેક પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લઈને કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં જરૂરી સુધારા વધારા કરવા યોગ્ય છે કે કેમ, તે દિશામાં, શિક્ષણ વિભાગે વિચારણા હાથ ધરી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવે અને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અંજુ શર્માની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં હાલની પદ્ધતિમાં કઈ રીતે સુધારો થઈ શકે તે અંગે કુલપતિઓ વિદ્યાર્થીમંડળો અને વાલીમંડળો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી તેના તારણો અને પોતાના અભિપ્રાય સાથે ૧પ દિવસની અંદર રાજ્ય સરકારને પોતાનો અહેવાલ આપે તેવી કુલપતિઓને સૂચના આપી છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણના હિતમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ સમયસર થાય તેવું આયોજન કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલપતિશ્રીઓને સૂચના આપી હતી.