અમદાવાદ, તા.૭
કોરોનાની મહામારીમાં શૈક્ષણિક કાર્ય પર સૌથી વધુ માઠી અસર પડી છે. આજની પરિસ્થિતિ જોતાં હજી બે મહિના સુધી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેમ જણાતું નથી. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની મહામારીમાં કોલેજો અને યુનિ.માં શૈક્ષણિક કાર્ય બાબતે કેટલાક સૂચનો કર્યા છે જે માટે જરૂરી પગલાં ભરવા માંગ કરી છે. કોરોના વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના સમગ્ર દેશ અને ગુજરાતમાં સૌથી પહેલાં યુનિ. કોલેજો શાળાઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ અને ખાસ કરીને નાના બાળકોને કોરોના મહામારીમાં શૈક્ષણિક કાર્યથી દૂર રહેવાની ફરજ પડી છે. માર્ચ મહિનાથી સ્થગિત થયેલ શૈક્ષણિક કાર્ય ઓગસ્ટ મહિના સુધી શરૂ થાય તેવી શક્યતા જણાતી નથી. આ મહામારીના સંજોગોમાં શૈક્ષણિક કાર્ય સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જરૂરી બને છે. આથી ડૉ.મનિષ દોશીએ કેટલાક સૂચન કર્યા છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં કોલેજ, યુનિ. કક્ષાએ સેમેસ્ટર પ્રથા હાલની પરિસ્થિતિમાં રદ કરીને વાર્ષિક પદ્ધતિ વર્ષ ર૦ર૦-ર૧ માટે દાખલ કરવી જોઈએ. સપ્ટેમ્બરમાં શૈક્ષણિક કાર્ય શરૂ થવાની શક્યતા વચ્ચે પ્રથમ સેમેસ્ટર અભ્યાસક્રમ શક્ય નથી. સેમેસ્ટર પ્રથા પ્રમાણે સેમેસ્ટર પરીક્ષાની બાબતથી મુક્તિ મળશે, યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડીઝ અને સત્તામંડળે તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સુધારા જાહેર કરવા જોઈએ. વાર્ષિક પરીક્ષા એપ્રિલ-મે ર૦ર૧માં લેવાથી સમગ્ર પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાથી શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થી અને અધ્યાપક રસ લઈને વ્યવસ્થા ગોઠવે અને સૂચારું આયોજન કરી શકશે ઉપરાંત આગામી વર્ષ ર૦ર૦-ર૧ના એકેડેમિક કેલેન્ડરની સાથે વિદ્યાર્થી-વાલીઓ અને અધ્યાપકો-કર્મચારીઓ માટે સરળતા ઊભી થશે અને શૈક્ષણીક માળખાને ફરીથી ગતિશીલ બનાવી શકાશે.