માંગરોળ, તા.૪
માંગરોળ તાલુકાના પોપદરા ગામે બ્લોક નંબર ૧૩૯, પ્લોટ નંબર એ-૧૧ અને ૧રમાં એવન કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ નામનું કોલ્ડ સ્ટોરેજ આવેલ છે.
ગત તા.૮મી ઓક્ટોબર ર૦૧૭ના રોજ કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગતા કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો. જો કે કોલ્ડ સ્ટોરેજનો ધી ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડનો વીમો હોવાથી, વીમાનો ક્લેમ તમામ જરૂરી કાગળો સાથે કરવામાં આવ્યો છે. વીમાનો ક્લેમ ૧૦ કરોડ, પ૦ લાખ રૂપિયાનો કરવામાં આવ્યો છે. આ ઘટનાને આજે આઠ-આઠ માસનો સમયગાળો વીતી ગયો છે છતાં વીમા કંપની તરફથી કોઈ દાદ મળતી નથી. આખરે ભોગ બનેલા વેપારી અને ખેડૂતોએ આ પ્રશ્ને આજે માંગરોળના મામલતદાર કે.ડી. કોળીને એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં વીમાની રકમ ન મળતાં ખેડૂતો નવી ખેતી કેવી રીતે કરશે ? સાથે જે વેપારીઓએ માલ મૂક્યો હતો એ વેપારીઓએ આ માલ ખેડૂતો પાસેથી ખરીદયો હોય, ખેડૂતોને પૈસા ક્યાંથી લાવી ચૂકવવા ? કેટલાક વેપારીઓએ બેંકમાંથી વ્યાજે નાણાં લીધા હોય, વ્યાજના ઘોડા ચડી રહ્યા છે. સાથે જ બેંકો દ્વારા નાણાં ભરપાઈ કરવા પ્રેસર કરવામાં આવી રહ્યું છે જો વીમા કંપની નાણાં ન ચૂકવશે તો ભોગ બનનાર વેપારી ખેડૂતો આપઘાત કરશે તેની સંપૂર્ણ જવાબદારી વીમા કંપનીની રહેશે. એમ જણાવી સરકાર કક્ષાએથી આ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી છે.