(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અજય માકને એન.એચ.આર.સી.માં રજૂઆત કરી દિલ્હી સરકારને નિર્દેશો આપવાની માગણી કરી છે કે, તેઓ કોવિડ-૧૯ના દર્દીઓ માટે હોસ્પિટલના ૭૦ ટકા પલંગોને તૈયાર અને અનામત રાખે.
તેમણે એમ પણ કહ્યું છે કે, રાષ્ટ્રીય પાટનગરમાં કોવિડ પોઝિટિવિટી રેટ વર્તમાન ૨૭ ટકાની તુલનાએ ૧૦ ટકા થઈ જાય ત્યારબાદ જ દિલ્હીમાં લોકડાઉન ખોલવો જોઈએ.
માકને પોતાની અરજીમાં દિલ્હીમાં જાહેર જીવનની સુરક્ષા અને બચાવ માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી છે. કોવિડ-૧૯ના દર્દીઓ દિલ્હીની હોસ્પિટલોમાં પ્રવેશ મેળવી શકતા નથી તેવા અહેવાલો પછી તેમણે અરજી દાખલ કરી છે. એન.એચ.આર.સી.ના અધ્યક્ષ, ન્યાયમૂર્તિ એચ.એલ.દત્તુને લખેલા પત્રમાં માકને દિલ્હી સરકારને ડો. મહેશ વર્મા સમિતિના અહેવાલ અનુસાર ૧૦,૦૦૦ વેન્ટિલેટર અને ૪૨૦૦૦ પથારીઓ તૈયાર રાખવા જણાવ્યું છે. દિલ્હી સરકાર દ્વારા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ અને કોવિડ-૧૯ સામેના યુદ્ધ માટે હોસ્પિટલોની એકંદર સજ્જતાને મજબૂત કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.
તેમણે એમ પણ નોંધ્યું છે કે, દિલ્હી સરકારના માત્ર ૧૨ ટકા, કેન્દ્ર સરકારની ૮ ટકા સંસ્થાઓ અને ખાનગી હોસ્પિટલની ૭ ટકા પથારીઓ હાલમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે તે ખૂબ દુઃખદાયક છે.
એક તરફ, સંકટ સમયે દિલ્હીવાસીઓ પલંગ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, બીજી તરફ જી.એન.સી.ટી.ડી. પથારીની ઉપલબ્ધતા હોવા છતાં, જરૂરીયાતમંદોને પથારીઓ પૂરી પાડવામાં આવતી નથી અને તેથી ઘણા પરિવારોને તેમના પ્રિયજનો ગુમાવવા પડ્યા છે.