(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક બાજુ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે તો બીજી બાજુ કોંગ્રેસ ભાજપ અને આર એસ પી રાજકીય પક્ષોએ પણ ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીમાં જીતવા માટેની રણનીતિ નક્કી કરવા બેઠકોનો દોર આજે શરૂ થતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.વડોદરા રેલવે સ્ટેશન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી પહોંચતા કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું જે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ જોવા મળ્યો હતો. ભાજપ પ્રમુખે માસ્ક નાક નીચે પહેરતા ચર્ચા નો વિષય બન્યો હતો.
ચૂંટણી પંચ અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી બાહેધરીના આધારે ફેબ્રુઆરી અંત સુધીમાં કોર્પોરેશન જિલ્લા પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે તે આધારે હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ યોજાઈ જશે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા.
સી.આર.પાટીલનું ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમણે કોર્પોરેટરો પક્ષના હોદ્દેદારો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ સ્થિત કાર્યાલય ખાતે કોર્પોરેટરો અને પક્ષના હોદ્દેદારોની ભીડ જામી હતી.
એ જ પ્રમાણે વડોદરા કોંગ્રેસના દાંડિયાબજાર સ્થિત કાર્યાલય ખાતે આજે વડોદરાના પ્રભારી કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવા આવ્યા હતા ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ કાર્યકરો ઉમટી પડ્યા હતા.
(તસવીર : શરીફ કાપડિયા, વડોદરા)
Recent Comments