(એજન્સી) તા.૩૦
અત્રે કોરોના સામેની લડાઇમાં યોદ્ધા તરીકે કામગીરી અને કર્તવ્ય બજાવનાર એવા કેટલાક ફ્રન્ટ લાઇન વર્કર્સના કિસ્સા સામે આવ્યાં છે કે જેમણે કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવ્યાં છે તેમ છતાં તેમના પરિવારજનોને હજુ સુધી વીમાના નાણાં મળ્યાં નથી. સરકારની રૂા.૫૦ લાખની વીમા યોજના શરતો અને તુમારશાહીમાં અટવાઇ ગઇ છે. દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવનાર ૪૬ વર્ષની અંબિકાનું કોવિડ-૧૯ પોઝિટીવ થયાં બાદ ૨૫, મેનાં રોજ મૃત્યુ થયું હતું. કોરોના મહામારીમાં ભારતની રાજધાનીમાં મૃત્યુ પામનાર તેઓ પ્રથમ નર્સ હતાં. આજે બે મહિના થવા આવ્યા છતાં કોવિડ-૧૯ની ફરજ બજાવતાં હેલ્થ કેર વર્કર્સ માટે મૃત્યુના કિસ્સામાં જાહેર કરવામાં આવેલ રૂા.૫૦ લાખની કેન્દ્ર સરકારની વીમા યોજનાના નાણાં હજુ તેમના બાળકોને મળ્યાં નથી અને તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ અંબિકા કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલ હતાં તે પુરવાર કરી શક્યાં નથી. એ જ રીતે ૨૭,એપ્રિલના રોજ કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનાર ૬૯ વર્ષના ઓર્થોપેડિક સર્જન શિશિર માંડલના વારસદારોને પણ વીમાના નાણાં મળ્યાં નથી કારણ કે માંડલ કેન્દ્ર સરકારના કર્મચારી નથી એવા આધારે તેમના વીમાનો દાવો ફગાવી દેવામાં આવ્યો છે. ભારતમાં કોવિડ-૧૯ને કારણે મૃત્યુ પામનાર ફ્રન્ટ લાઇન વર્કર્સની સંખ્યા અંગે સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી. જ્યારે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામતા તબીબો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, સામુદાયિક આરોગ્યકર્મીઓ અને અન્યોના મૃત્યુ થયાના રોજ અહેવાલો મળે છે. અંબિકાની જેમ રાજમા મધુસુદનનું પણ કોરોના વાયરસને કારણે ૩, જૂનના રોજ મોત થયું હતું. તેઓ પણ પાટનગરમાં શિવાજી મેડિકલ એન્ડ મેટરનિટી સેન્ટરમાં નર્સ તરીકે કામ કરતાં હતાં પરંતુ અંબિકાની જેમ મેટરનિટી હોસ્પિટલે રાજમાનું મૃત્યુ ફરજ દરમિયાન કોરોના સંક્રમણને કારણે થયું હતું એવું પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કર્યો છે. આવા અનેક બીજા કિસ્સાઓ પણ છે કે જેમના મૃત્યુ કોરોનાને કારણે થવા છતાં તેમના વારસદારોને સરકારની વીમા યોજના પ્રમાણે નાણાં મળ્યાં નથી અથવા તો તેમના વીમાના દાવા મંજૂર થયાં નથી.