વડોદરા, તા.૨૫
કોરોના વાયરસની મહામારી થમવાનું નામ નથી લઈ રહી ત્યારે બીમારીથી પીડાતા લોકોની સહનશીલતા હવે ઓછી થવા માંડી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં દાખલ કોવિડ-૧૯ના દર્દીએ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડના બાથરૂમમાં પોતાની જાતે જ કાંચ વડે પેટમાં ઉપરા-છાપરી ઘા ઝીંકી મોતને વ્હાલું કરી લીધું હતું. જો કે બનાવને પગલે સયાજી હોસ્પિટલના સત્તાધીશો અને પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગેની હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કરજણના હાન્ડોડ ગામે રહેતા ૩૫ વર્ષીય યુવકને છેલ્લા ઘણા સમયથી તાવ, શરદી, ખાસી અને કફની તકલીફ શરૂ થઈ હતી. દરમિયાન તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તાત્કાલિક ધોરણે પરિવારજનો તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ૩૫ વર્ષીય યુવકની પ્રાથમિક તપાસ કરતા કોવિડ-૧૯ના તમામ લક્ષણો જોવા મળ્યા હતા. જો કે યુવકને શ્વાસ લેવામા ખૂબ જ તકલીફ પડતી હોવાથી તેને હોસ્પિટલમાંનાં મેડિકલ નર્સિંગ હોમના કોવિડ-૧૯ આઈસોલેશન વોર્ડમાં ગત મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન શ્વાસ લેવાની અસહ્ય પીડાથી યુવક કંટાળ્યો હતો. તેવામાં આઈસોલેશન વોર્ડના બાથરૂમમાં જઈ યુવકે કાંચની બારી તોડી અને પોતાના શરીર પર જાતેજ ઉપરા-છાપરી કાંચના ઘા ઝીંકી દીધા હતા. જો કે થોડા સમય સુધી બાથરૂમમાંં ગયેલો યુવક બહાર ન આવતા આઈસોલેશન વોર્ડના સ્ટાફે દરવાજો ખખડાવતા યુવક લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી અને બીજી તરફ તેના ભાઈને બનાવની જાણ કરી હતી.