(એજન્સી) નવી દિલ્હી,તા.૨૪
ગત વર્ષે ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળેલા કોરોના વાયરસનો કહેર આજે આખા વિશ્વમાં વર્તાઈ રહ્યો છે. જીવલેણ કોરોના વાયરસ ખૂબ જ ચેપી હોવાથી દિવસેને દિવસે તેના કેસો અને તેની લપેટમાં આવનારા દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. એવામાં સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા સહિતના અન્ય ઘણાં મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. લોકડાઉનના આ સમયગાળા દરમિયાન, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને અન્ય સંબંધિત મુદ્દાઓના અમલીકરણ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે સરકારે એડિશનલ સચિવ (સેક્રેટરી) કક્ષાના અધિકારીઓની આગેવાની હેઠળ કામ કરતી આંતર-મંત્રીઓની વધુ પાંચ કેન્દ્રિય ટુકડી (આઇએમસીટી)ઓની રચના કરી છે.
નવી રચાયેલી આ ટુકડીઓને ગુજરાતના અમદાવાદ અને સુરત, મહારાષ્ટ્રના થાણે, તેલંગાણાના હૈદરાબાદ અને તમિલનાડુના ચેન્નઈમાં મોકલવામાં આવશે, કે જ્યાં કોરોના વાયરસની સ્થિતિ ‘ખૂબ જ ગંભીર’ હોવાનું માનવામાં આવે છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું.
આઇએમસીટી દ્વારા માર્ગદર્શિકામાં આપવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર લોકડાઉનના પગલાનું પાલન અને તેના અમલીકરણ પર અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર, ઘરની બહાર જઈ રહેલા લોકોની અવરજવર પર, તેમના દ્વારા જાળવવામાં આવતાં સામાજિક અંતર પર, આરોગ્યની માળખાગત સુવિધા પર, હોસ્પિટલની સુવિધા પર અને જિલ્લામાં નમૂનાના આંકડાઓ પર, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી પર, પરીક્ષણ કિટની ઉપલબ્ધતા પર, પી.પી.ઇ., માસ્ક અને અન્ય સલામતી સાધનો પર અને મજૂર તેમજ ગરીબ લોકો માટે ઊભા કરવામાં આવેલા રાહત કેમ્પોની સ્થિતિ પર અને આના જેવા અનેક મુદ્દાઓની આકારણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.