હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અખાત પ્રદેશના કેટલાક દેશોએ  ભારતીય નાગરિકોના પ્રવેશ પર લાદેલા નિયંત્રણો હજુ સુધી હટાવ્યા નથી

(એજન્સી) તા.૪
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે કેટલાક દેશોએ હજુ સુધી ભારતીયોના પ્રવેશ પર લાદેલ પ્રતિબંધ હટાવ્યા નથી. કેન્દ્ર સરકાર આ દેશો દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ત્યાંની ફ્લાઇટ શરુ કરવા તૈયાર છે. આવા દેશોમાં સઉદી અરેબિયાનો પણ સમાવેશ થાય છે જેણે કોરોના વાયરસ મહામારીને લઇને વિમાન કંપનીઓને ભારતથી પ્રવાસીઓને લાવવા માટે મંજૂરી આપી નથી. પુરીએ ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે આપણે ૬, મે ૨૦૨૦થી વંદેભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓનું સંચાલન કરી રહ્યાં છીએ. જો કે અખાતી દેશો સિવાય અન્ય કેટલાક દેશોએ હજુ સુધી ભારતીયોના પ્રવેશ પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ આ દેશો પ્રતિબંધ ઉઠાવશે ત્યારે સરકાર ફ્લાઇટ શરુ કરવા તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૨, ઓક્ટો. પ્રધાને જણાવ્યું હતું કે કેરળ અને બહેરીન વચ્ચે સંચાલિત સ્પેશિયલ ફ્લાઇટનું સરેરાશ ભાડું ૩૦૦૦૦થી ૩૯૦૦૦ વચ્ચે છે કારણ કે અખાતી દેશ પ્રતિ સપ્તાહ માત્ર ૭૫૦ પ્રવાસીઓને ભારતથી આવવાની મંજૂરી આપી રહ્યું છે. ભારતે પણ ૨૩, માર્ચથી કોરોના વાયરસ મહામારીને લઇને નિયમિત આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ સ્થગિત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ સપ્ટે.ના રોજ સઉદી અરેબિયાએ કોરોનાના કેસો વધતાં ભારત માટેની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનું વિમાન પ્રવાસીઓને ભારતથી સઉદી અરેબિયા લઇ જઇ નહીં શકે. તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ વંદે ભારત મિશન હેઠળ સઉદી અરેબિયાથી ભારત આવતી ફ્લાઇટમાં પ્રવાસીઓને લઇ જવાનું ચાલુ રાખવામાં આવશે.