(એજન્સી) તા.૯
દેશભરમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત્‌ છે. હવે એવા રાજ્યોમાં પણ કોરોના ઊથલો મારી રહ્યો છે જેમણે કડક લોકડઉન દ્વારા વાયરસ પર નિયંત્રણ પ્રાપ્ત કરી લીધું હતું. કેરળમાં કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૦૧ નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં તિરૂવનંતપુરમનો પૂનથુરા વિસ્તાર કોરોનાનો નવો હોટસ્પોટ બની રહ્યો છે. આવામાં કોરોનાની બીજી વેવ રોકવા માટે સરકારે અહિંયા સ્પેશિયલ આર્મ્ડ પોલીસ (એસએસપી)ના કમાન્ડોને તહેનાત કર્યા છે. કેરળના કોવિડ-૧૯ મેનેજમેન્ટ ટીમના પબ્લિક હેલ્થ સ્પશિલિસ્ટ મોહમ્મદ અશીલે જણાવ્યું કે, પૂનથુરામાં સુપર સ્પ્રેડિંગના કેસ સામે આવી રહ્યા છે. એટલે કે એક વ્યક્તિથી છ લોકોમાં કોરોના ફેલાવવાની ઘટની સામે આવી રહ્યા છે. દેવસ્વોમ અને પર્યટન મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને જણાવ્યું કે, પૂનથુરમાં સુપર સ્પ્રેડરના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૫ દિવસોમાં પૂનથુરાથી કોરોનાના ૬૦૦ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી ૧૧૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
કેરળના જ તટીય શહેર તિરૂવનંતપુરમને ૨૫ જેટલા કમાન્ડોએ ઘેરી લીધો છે અને તેઓને ટેસ્ટિંગ એરિયાની આજુબાજુમાં તહેનાત કરી દેવાયા છે. સ્થાનિક સ્તરે કોરોનાના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે તેને જોતાં જ સરકારે આ પગલું ભર્યુ છે કે જેથી કરીને સુપર સ્પ્રેડરોની ઝડપી રીતે ઓળખ કરવામાં આવી શકે.
કમાન્ડોને તહેનાત કરવા સંબંધિત વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર ફરતા થયા છે જેમાં કમાન્ડો, એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો પણ જોવા મળી રહ્યા છે. પૂનથુરા ગામમાં લાઉડસ્પીકરો પર કોરોનાને લગતી અનેક એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહી છે.