(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે દેશમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ પ્રત્યેક પસાર થતાં દિવસે ફક્ત બગડી રહી છે અને એ જરાય સારી થતી નથી.
જસ્ટિસ રોહિંટન નરીમાનની અધ્યક્ષતાવાળી ન્યાયાધીશ નવીન સિંહા અને બી.આર.ગવાઈની બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે દેશમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ કથળી રહી છે. જગદીશ ભોલા ડ્રગ કેસમાં આરોપી પંજાબના ઉદ્યોગપતિ જગજીતસિંહ ચહલની પેરોલ સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન બેંચે આ ટિપ્પણી કરી હતી.
ખંડપીઠે નોંધ્યું હતું કે કોઈને વધુ ભીડવાળી જેલમાં પાછા મોકલવાનો અર્થ નથી, જ્યારે તે પેરોલ પર બહાર હોઈ શકે. ટોચની અદાલતે ચહલને હાઈકોર્ટમાં તેની અપીલનો નિકાલ આવે ત્યાં સુધી પેરોલ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ૨૩ માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેદીઓ અને કાચા કામના કેદીઓ જેઓના ગુના માટે મહત્તમ સાત વર્ષની સજાની જોગવાઈ હોય એમને પેરોલ અથવા વચગાળાના જામીન આપવાનું નિર્ણય લેવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવા આદેશ આપ્યો હતો.
જેલોને ભીડ મુક્ત કરવા આ પગલું લેવાયું હતું.