(એજન્સી)               તા.ર૮

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)ના નિષ્ણાતોએ એવી સલાહ આપી હતી કે, પ્રત્યેક દેશની સરકારોએ કોવિડ-૧૯ના સૌથી ઓછા કેસ નોંધાયા હોય તો પણ તેના પ્રત્યે ત્વરિત પગલાં લેવા પડશે અને તે અંગે પારદર્શી સંદેશાવ્યવહાર કરવો પડશે, તે ઉપરાંત સરકારોએ ખુબ મોટી સંખ્યામાં અથવા તો ગીચ વસ્તીવાળા વિસ્તારો ફરીથી કોમ્યુનિટી ટ્રાન્સમિશન ન ફેલાવે તેની પણ વિશેષ તકેદારી અને કાળજી રાખવી પડશે. WHO હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર ડૉ.માઈકલ રાયને તાજેતરમાં વિશ્વના કેટલાક દેશોમાં કોરોના વાયરસે ફરીથી માથું ઊંચક્યું છે એવા અહેવાલોના પગલે વિશ્વના તમામ દેશોની સરકારોને સોમવારે આ મુજબની અપીલ કરી હતી, એમ ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શીન હૂઆએ પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં એકવાર કોરોના વાયરસે તેનો પ્રકોપ ફેલાવી દીધો હતો અને હવે ફરીથી આ દેશોમાં કોરોના વાયરસે માથું ઊંચક્યું છે અને કોવિડ-૧૯ના અનેક નવા કેસ નોંધાયા છે. જાપાને WHO આપેલી માહિતીમાં કહ્યું હતું કે, છેલ્લા સાત દિવસમાં ત્યાં ૪૭૪૦ નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસનો ખાત્મો બોલાવી દેવાના પગલાં જ્યારે હળવા અને ધીમા કરવામાં આવે છે તે સાથે જ આ વાયરસ ફરીથી તેનુ માથું ઊંચકે છે, એમ ડૉ.રાયને કહ્યું હતું. કોવિડ-૧૯ની મહામારીએ ફરીથી ઉથલો માર્યાના કેટલાક કિસ્સા તો નર્સિંગ હોમ અને નાઈટ ક્લબમાંથી નોંધાયા છે. નાઈટ ક્લબમાં લોકો લાંબા સમય સુધી ચિક્કાર ભીડની વચ્ચે નાચતા-કૂદતા હોય છે એમ ઉર્ૐંના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના ટેકનિકલ અગ્રણી મારિયા વાન કર્ખોવેએ કહ્યું હતું. દરમ્યાન ડૉ.રાયને કહ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારીને ફરીથી ઉથલો મારતી અસરકારક રીતે રોકવા પ્રત્યેક દેશની સરકારોએ તદ્દન સ્પષ્ટ અને સાતત્યપૂર્ણ રીતે કામ કરવું પડશે અને તે માટે લેવાનારા પ્રત્યેક પગલાં મોટા જનસમુહ સુધી લેવા પડશે.

સરકાર તેની કામગીરીમાં તદ્દન પ્રમાણિક અને વિશ્વાસું રહે તે બાબત પણ એટલી જ મહત્ત્વની છે અને તેે પ્રજા સુધી સાચા આંકડા પણ તેને જાહેર કરવા જોઈએ.