(એજન્સી) તા.૯
ભાજપે સોમવારે પશ્ચિમ બંગાળમાં દાવો કર્યો હતો કે, રાજ્યમાં કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી હોવા છતાં આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળતા રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી આ રોગચાળા સામે લડવા પૂરતો સમય ફાળવતા નથી. તે સાથે તેણે રાજ્યમાં ફૂલ ટાઇમના એક આરોગ્ય મંત્રીની નિમણૂંક કરવાની પણ માંગ કરી હતી.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલિપ ઘોષે કોવિડ-૧૯ની મહામારી સામે આકરી લડત આપવા તથા અમ્ફાન વાવાઝોડાંના કારણે રાજ્યમાં થયેલા વિનાશ માટે કેટલાંક પગલાં લેવાનું સૂચન કર્યું હતું અને માંગણી કરી હતી કે, જે લોકોને કુદરતી આફતના કારણે નુકસાન થયું છે તેઓને રાજ્ય સરકાર મનરેગા યોજના હેઠળ કામ આપે અને સાથએ આર્થિક સહાય પણ આપે.
રાજ્યના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળે છે તે ઉપરાંત તેમને અન્ય કેટલાંક વિભાગો ઉપર પણ દેખરેખ રાખવાની હોય છે તેથી તે કોરોના વાયરસની સામે આકરી લડત માટે પૂરતો સમય ફાળવી શકતા નથી એમ ઘોષે તેમના પત્રમાં કહ્યું હતું.
આરોગ્ય જેવા અત્યંત મહત્વના વિભાગ ઉપર મુખ્યમંત્રી પૂરતો સમય આપી શકતા ન હોઇ રાજ્યની પ્રજા હાલ જાહેર આરોગ્યની કટોકટીનો સામનો કરી રહી છે જેનો ઉકેલ લાવવા અમે રાજ્યમાં એક ફૂલ ટાઇમના આરોગ્ય મંત્રીની નિમણૂંક કરવાની માંગ કરીએ છીએ એમ ઘોષે તેમના પત્રમાં કહ્યું હતું. અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલી મુલાકાત અને ત્યારબાદ તરત જ રાજ્ય માટે જાહેર કરેલી રૂા. ૧૦૦૦ કરોડની સહાયનો ઉલ્લેખ કરતાં ઘોષે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ વાવાઝોડાંમાં માર્યા ગયેલા લોકોના નજીકના સગાંને રૂા. ૨ લાખની અને ઇજાગ્રસ્તોને રૂા. ૫૦,૦૦૦ની સહાય આપવાની તાત્કાલિક જાહેરાત કરવી જોઇએ. તે ઉપરાંત વાવાઝોડાના કારણે અસર પામેલા ગરીબ લોકોને પણ સતત ત્રણ મહિના સુધી દર મહિને રૂા. ૧૦૦૦ની સહાય અપાવી જોઇએ. આ સમગ્ર નાણાંકીય પ્રક્રિયાને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા આ નાણાં અસરગ્રસ્તોના ખાતામાં સીધા ટ્રાન્સફર થવા જોઇએ એમ તેમણે કહ્યું હતું. ભાજપના સાંસદે કહ્યું હતું કે, વાવાઝોડાથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં અસર પામેલા લોકોને મેડિકલ સહાય, આશ્રય સ્થાન, પીવાનું પાણી અને ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકારે પૂરતી વ્યવસ્થા કરવી જોઇએ.