(એજન્સી) તા.૮
મહારાષ્ટ્રમાં આવેલા વિશ્વના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર – ધારાવીમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવામાં મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર સરકાર લીધેલાં પગલાં અને સ્થાનિક રહેવાસીઓએ આપેલા સહકારની વિશ્વ બેન્કે ભરપૂર પ્રશંસા કરી હતી. અહીં મૌલવીઓએ આ કામમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વોશિંગ્ટન સ્થિત વર્લ્ડ બેન્કે ગરીબી અને વહેંચાયેલી સમૃદ્ધિ વિષય પર તેના દ્વિ-વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આ સફળતા બધાયને અનુકૂળ પડે એવા ઉકેલો શોધવાથી, જૂથોની સામેલગીરીથી અને દ્રઢતાથી હાંસલ કરી શકાઈ છે.
ધારાવી વિસ્તાર મધ્ય મુંબઈના માહિમ-બાન્દ્રા ઉપનગરોમાં પૂર્વ ભાગમાં આવ્યો છે અને ત્યાં આશરે ૭ લાખ લોકો વસે છે. આ ઝૂંપડપટ્ટી વિસ્તાર ૧૮૮૪ના વર્ષ જેટલો જૂનો છે. આનો વિસ્તાર આશરે ૨.૫ સ્ક્વેર કિલોમીટરમાં પ્રસરેલો છે. અહીં અસંખ્ય ઝૂંપડાઓ અને બિસ્માર હાલતવાળા મકાનો છે. સાંકળી ગલીઓ અને ખુલ્લી ગટરોને કારણે આ વિસ્તારમાં રોગ ફેલાવવાની શક્યતા ઘણી જ રહે છે.
૧૧ માર્ચે કોરોના રોગચાળાએ મુંબઈમાં એન્ટ્રી કર્યાના ૩ સપ્તાહ બાદ, ધારાવીમાં કોવિડ-૧૯નો પહેલો કેસ ૧ એપ્રિલે નોંધાયો હતો. વર્લ્ડ બેન્કે અનુમાન વ્યક્ત કર્યું છે કે સત્તાવાળાઓએ ટેલેન્ટેડ વ્યક્તિઓ અને ખાસ કરીને મૌલવીઓને એકઠા કરીને અને સેવાભાવી-સમર્પિત મુસ્લિમ લોકોના જૂથ બનાવીને કાર્યક્ષમ અભિગમ અપનાવ્યો એનું ધાર્યું પરિણામ આવ્યું. ધારાવીમાં કોરોનાને ફેલાતો રોકવા માટે મુંબઈના અધિકારીઓએ ઘણી ઝડપ બતાવી હતી.
લોકડાઉનના સમયમાં ગરીબ લોકોને ઘેર-ઘેર જઈને સહાયતા કરવામાં આવી હતી. એમાં બિનસરકારી સંસ્થાઓ અને સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. ઘેર-ઘેર જઈને એમણે રેશન કિટ્‌સ પૂરી પાડી હતી. ધારાવીમાં કોરોનાના ૩,૨૮૦ કેસ થયા હતા, એમાંથી ૨,૭૯૫ જણ સાજા થયા હતા. ગયા જુલાઈમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્ૐં)એ પણ ધારાવીમાં કોરોના રોગચાળાને અંકુશમાં રાખવાના મુંબઈ મહાનગરપાલિકા, રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી હતી. ભારતમાં કોરોના વાયરસનો શિકાર થયેલા લોકોનો આંકડો ૬૭.૫૭ લાખ પર પહોંચ્યો છે. જ્યારે મરણાંક ૧ લાખને પાર કરી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના દોરમાં મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટી કોરોનાનું હોટસ્પોટ બની ગયું હતું. અહીં આવેલી ૫૦૦ જેટલી મસ્જિદોના ૧૮૦ જેટલા મૌલવી અને તેમના સહયોગીઓના સમૂહે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે તમામ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. આશરે છ મહિના સુધી તેઓ સ્થાનિકોની મદદે આવ્યા. એ પણ એવા સમયે જ્યારે ખાસ કરીને જમાતીઓનો બહિષ્કાર કરવા જેવી વાતો થઈ રહી હતી.