(એજન્સી) તા.૮
પરંપરાગત ફજર (સવાર)ની નમાઝ પઢયા પછી હૈદરાબાદથી આડત્રીસ વર્ષના સૈયદ જલાલુદ્દીન શેખ મૃતદેહોને દફનાવીને તેના દિવસની શરૂઆત કરે છે. જ્યારે વધતા જતા કોવિડ-૧૯ રોગચાળાને પહોંચી વળવા દેશવ્યાપી લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો, ત્યારે જલાલુદ્દીન, યુથ વેલ્ફેર તેલંગાણાની તેમની ટીમના સભ્યોએ સુકા રેશન અને દવાનું વિતરણ લોકોના દરવાજા પર કરવાનું શરૂ કર્યું.
કોરોના વાયરસથી થતાં મૃત્યુના વધતા જતા કેસો વચ્ચે રાહત કામગીરી હાથ ધરતી વખતે, જલાલુદ્દીને જરૂરિયાત અનુભવી હતી કે મૃતદેહોને ગૌરવપૂર્ણ અંતિમ સંસ્કાર પ્રદાન કરવાની જરૂર છે.
“દરેક વ્યક્તિને તેના ધર્મ અનુસાર દફન થવાનો અધિકાર છે,” એમ જલાલુદ્દીનએ ટુ સર્કલ્સ.નેટને કહ્યું.
જલાલુદ્દીને જણાવ્યું હતું કે તે ૫૦ દિવસથી દફન પ્રક્રિયા માટે કામ કરી રહ્યો છે. તેણે ઉમેર્યું હતું કે, ‘અમે અત્યાર સુધીમાં ૮ હિન્દુઓ અને એક શીખ સહિત ૯૯ મૃતદેહોની અંતિમ વિધિ કરી છે.’
તેમને કોવિડ અસરગ્રસ્ત શબને દફનાવવાનું કાર્ય કરવાની પ્રેરણા શાનાથી મળી, તે પૂછતાં, જલાલુદ્દીને કહ્યું, “હું મારા મિત્રના પપ્પાની કોવિડ-૧૯માં મૃત્યુની ઘટનાથી પ્રભાવિત થયો હતો, પરંતુ તે બદનામીના કારણે ભાગી ગયો અને તેણે શરીરને સ્પર્શ પણ નહોતો કર્યો.”
આ ઘટના એ જલાલુદ્દીનને એટલી હદે પ્રભાવિત કરી કે તેણે વાયરસને કારણે મૃત્યુ પામેલા મરી ગયેલા લોકોને માનભર્યું દફન આપવાની તૈયારી પોતાની અને તેની ટીમને માથે લીધી. જલાલુદ્દીનની ટીમમાં હવે હૈદરાબાદમાં ૫૦ અને તેલંગાણામાં ૧૫૦ જેટલા સ્વયંસેવકો છે.
લોકો સીધા જ સોશિયલ મીડિયા દ્વારા અથવા ફોન પર સંપર્ક કરે છે.
તેમણે જણાવ્યું કે, “લોકો અમને કબ્રસ્તાનની બહાર મૃતદેહ આપે છે અથવા તેઓ ફક્ત અમને જાણ કરે છે અને અમે તમામ કાનૂની પ્રક્રિયા પછી અને હોસ્પિટલ દ્વારા એનઓસી મળતાં મૃતદેહોને હોસ્પિટલમાંથી મેળવવાની વ્યવસ્થા કરીએ છીએ.”
તે ઉમેરે છે કે, ‘‘અમે પરિવારની પરવાનગી લઈએ છીએ અને પછી અંતિમવિધિની પ્રાર્થના અને દફન સાથે આગળ વધીએ છીએ.”
જલાલુદ્દીને કહ્યું કે તેઓ કાનૂની હેતુઓને લીધે બિનદાવેદાર લાશ લેતા નથી. તેમણે કહ્યું, “જો સરકાર અમને એવી એનઓસી આપે કે અમે દાવા વગરની લાશોને લઈ શકીએ, તો અમે તે કરી શકીએ. અમે આ કામ કાનૂની રીતે કરવા માંગીએ છીએ.”
તેમની ટીમ મૃતદેહોને દફનાવવા માટેના આર્થિક ભારણનું સંચાલન કેવી રીતે કરે છે તે અંગે પૂછતાં, જલાલુદ્દીને કહ્યું કે ટીમે આ કામ માટે તેમના ખિસ્સામાંથી નાણાંનું યોગદાન આપ્યું છે. તે કહે છે, “અમને મૃતદેહોને લઈ જવા માટે વાહન લેવાની જરૂરિયાત અનુભવાઈ અને એક માયાળુ મહિલાએ અમને જૂની સુમો કાર આપી, જેમાં અમે મૃતદેહ લઈ જઈએ છીએ. પરંતુ અમને પોતાનું વાહન જોઈએ છે.”
મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર આપતી વખતે, ટીમ પી.પી.ઇ. કિટ પહેરીને, સેનિટાઈઝરનો ઉપયોગ કરીને સંપૂર્ણ સાવચેતી રાખે છે.
“એક શરીર માટે લગભગ ૬ પીપીઇ કિટની જરૂર પડે છે,” એમ તેમણે કહ્યું.
જલાલુદ્દીને કહ્યું કે, રોગચાળાએ શોષણની કડવી તસવીર પણ જાહેર કરી છે. “એકંદરે જીએચએમસી એ નહીં પરંતુ જીએચએમસી ડ્રાઇવરોએ તેમનો વ્યવસાય શરૂ કર્યો છે. તેઓ શરીરને સ્મશાન ઘાટ પર લઈ જવા માટે શરીર દીઠ ૨૫,૦૦૦ રૂપિયા વસૂલતા હોય છે.”
જલાલુદ્દીને દાવો કર્યો હતો કે તે ઘણા એવા કિસ્સાઓના સાક્ષી છે કે જ્યાં પૈસાના અભાવે લોકો મૃતદેહ લઈ રહ્યા નથી. “તેઓ ફક્ત ડેથ સર્ટિફિકેટ લઇને નીકળી જાય છે,” એમ તેમણે કહ્યું.
એક યુવાન છોકરાની એક ઘટના વર્ણવતા કે જેણે કોરોના વાયરસને કારણે પિતા ગુમાવ્યા. જલાલુદ્દીને કહ્યું કે જ્યારે છોકરાના પિતાનું નિધન થયું ત્યારે તેમના મકાનમાલિકે સ્પષ્ટપણે છોકરાને કહ્યું કે તેના મૃતદેહને તેમના ઘરે ન લાવો અને જો તે આ કરશે તો તેને ઘરમાંથી કાઢી મૂકશે.
તેમણે કહ્યું, “છોકરો ૪ કલાક સુધી મૃતદેહ સાથે હૈદરાબાદ શહેરની આસપાસ ફરતો હતો, એ જોવા કે કોઈ એવું સ્થળ મળી જાય જ્યાં તે અંતિંમવિધિ કરી શકે. તેણે આખરે મને કોલ કર્યો અને અમે તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા.”
જલાલુદ્દીનને વધુ એક દુઃખદ ઘટના યાદ આવી જેમાં મૃતક કોવિડ દર્દીના પરિવારના સભ્યો મૃતદેહને કબ્રસ્તાન નજીક છોડી ભાગી ગયા હતા.
જલાલુદ્દીન કહે છે, “અમને ચિંતા હતી કે અમારે શરીર સાથે શું કરવું,” અને ઉમેર્યું, “જેમ જેમ અમે પૂછપરછ કરી ત્યારે અમને ખબર પડી કે પરિવાર ભયભીત છે અને અંતિમ સંસ્કારનો ભાગ બનવા માંગતો નથી. છેવટે અમે જનાઝાની નમાઝ જાતે પઢી અને શરીર દફન કર્યું.”
જલાલુદ્દીને કહ્યું કે સમાજમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા અથવા તેનાથી મૃત્યુ પામેલા લોકો સામે સમાજમાં કલંક છે. “અમે દરરોજ નવી વાર્તા સાંભળીએ છીએ,” તેમ ઉમેરે છે.
જલાલુદ્દીને કહ્યું કે રાહત કાર્ય કરતી વખતે અને પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરતા પરિસ્થિતિ ચિંતાજનક છે. “બિન-કોવિડ દર્દીઓને પણ કલંકને કારણે છોડી દેવામાં આવે છે.”
તેણે કહ્યું, “અમને એક વખત કબ્રસ્તાન વહીવટીતંત્ર દ્વારા નોન-કોવિડ દર્દીને દફનાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેને તેઓ ખોટી રીતે માનતા હતા કે તે કોવિડ દર્દી છે. અમે તેને પાછો લઇ જઈને બીજા કબ્રસ્તાનમાં દફનાવ્યો હતો.”
જલાલુદ્દીને કહ્યું કે તે દુઃખી છે કે બાળકો તેમના માતાપિતા પ્રત્યેની ફરજો બજાવી રહ્યા નથી, જો તેઓ કોવિડ-૧૯થી મૃત્યુ પામે છે ત્યારે. “દરેક માતાપિતા ઇચ્છે છે કે તેમના બાળકો તેમના અંતિમ સંસ્કાર કરે, પરંતુ બાળકો તેમના માટે તે કરવા તૈયાર નથી,” તેમણે ઉમેર્યું, “અમે આ કામ માનવતાની ખાતર કરી રહ્યા છીએ.”
– મુશીરા અશરફ (સૌ. : ટુ સર્કલ.નેટ)