(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમ કોર્ટે આજે એ અરજીની સુનાવણી કરવા ઇન્કાર કર્યો જેમાં કોવિડ-૧૯ના રોગચાળાના લીધે આ વર્ષે અમરનાથ યાત્રા પર રોક લગાવવા માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તીર્થ યાત્રીઓને પરવાનગી આપવા અને શરતો લાગુ કરવાનો નિર્ણય કારોબારીના ન્યાય ક્ષેત્રમાં આવે છે. આ પહેલા અધિકારીઓએ માહિતી આપી હતી કે અમરનાથ યાત્રામાં આ વખતે કોરોના મહામારીના લીધે દરરોજ ૫૦૦થી વધુ તીર્થ યાત્રિકોને પવિત્ર ગુફામાં દર્શન માટે જવા પરવાનગી આપવામાં આવશે નહીં. જમ્મુ કાશ્મીરમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર અને વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન માટે પરવાનગી સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઇ હતી જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહ અને ગૃહ મંત્રાલય અને જમ્મુ કાશ્મીર વહીવટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વર્ષે અમરનાથ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થવાની છે. બીજી બાજુ પહલગામ માર્ગમાં બરફ હોવાના લીધે હજુ સુધી સ્પષ્ટ નથી અને આ વર્ષે ફક્ત બાલટાલ માર્ગથી જ યાત્રા થઇ શકે છે કે કેમ. અધિકારીએ જણાવ્યું કે અમરનાથ યાત્રાને લઇ છેવટનો નિર્ણય આગામી અઠવાડિયામાં લઇ શકાય છે. આ ઉપરાંત વૈષ્ણોદેવી મંદિરના મામલામાં મંદિર સુધી શ્રદ્ધાળુઓના જવા ઉપર ૩૧મી જુલાઈ સુધી પ્રતિબંધ મુકાયેલ જ છે.