(એજન્સી) તા.૧૧
પશ્ચિમ બંગાળમાં ભાજપની એક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના જોરદાર રીતે ધજાગરાં ઊડાડી દેવાયા. એવું ત્યારે થયું જ્યારે ત્યાં ભારે ભીડ વચ્ચે મંચ પર ક્ષેત્રના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ પણ હાજર હતા. કોરોના સંબંધિત નિયમોને નેવે મૂકી દીધા બાદ પણ તેમને ચેપના ફેલાવા અંગે જરાય ચિંતા નહોતી. એટલું જ નહીં તેમણે સભા વચ્ચે એવું પણ કહી દીધું કે કોરોના કાળ ખતમ થઈ ચૂક્યો છે. નવ સપ્ટેમ્બરે ધનિયાખલીમાં આ રેલીમાં તેમણે કહ્યું હતું કે કોરોના તો હવે જતો રહ્યો છે. દીદીમોની(મમતા બેનરજી) નાટક કરી રહ્યાં છે અને લૉકડાઉન લગાવી રહ્યાં છે. જેથી ભાજપ ક્ષેત્રમાં બેઠકો અને રેલીઓ ન કરી શકે. અમને કોઈપણ વ્યક્તિ રોકી નહીં શકે. તમને જણાવી દઈએ કે ભારતમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૯૬,૫૫૧ કેસ સામે આવ્યા હતા જોકે ૧૨૦૯ લોકો મૃત્યુ પામ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના શુક્રવારના સવારના તાજેતરના આંકડા અનુસાર કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૫,૬૨,૪૧૫ થઈ ચૂકી છે. તેમાં ૯,૪૩,૪૮૦ એક્ટિવ કેસ છે. ૩૫,૪૨,૬૬૪ સાજા થઈ ચૂક્યા છે. જોકે ૭૬,૨૭૧ મૃત્યુ સામેલ છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએે બંગાળમાં ટીએમસી સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના પતનનો આરોપ મૂક્યો હતો. બંગાળના ઈન્ચાર્જે ગુરુવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સુરક્ષિત નથી. આ રાજ્યને છોડી સમગ્ર દેશમાં એક પ્રકારનો કાયદો છે અને અહીં મમતાનો કાયદો ચાલે છે.