(એજન્સી) તા.૧૬
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ધર્મના આધારે કોવિડ-૧૯ દર્દીઓને જુદા-જુદા વોર્ડમાં વિભાજીત કરવા બદલ ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોના સંગઠન પ્રોગેસિવ મેડિકોસ એન્ડ સાયન્ટિસ્ટ ફોરમ (પીએમએસએફ)એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી બિનશરતી માફીની માગણી કરી છે. આ સંગઠને કહ્યું હતું કે, “જ્યારે સમગ્ર વિશ્વ આ સૌથી મોટી સ્વાસ્થ્ય કટોકટી સામે મહાયુદ્ધ લડી રહ્યું છે, ત્યારે શાસકપક્ષ આ સ્તરે નીચે ઊતરી ગયો છે કે, તે ધર્મના આધારે ભેદભાવ કરે છેે.” સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે માગણી કરીએ છીએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સરકારના આ પગલાં બદલ બિનશરતી માફી માંગે.” સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો સંભાળનાર નાયબ મુખ્યમંત્રીને બરતફર કરે અને આ ષડયંત્રમાં સામેલ અન્ય લોકોને શક્ય તેટલી સખત સજા કરે. ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને આ પ્રકારના પ્રયત્નો ખુલ્લા પાડવાની હાકલ કરતાં પીએમએફએસએ કહ્યું હતું કે, “ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓએ સરકાર અને કોમવાદી તત્ત્વોના આ પ્રકારના ષડયંત્રોને સમર્પિત ન થવું જોઈએ. તેના બદલે તેમણે તેમની સત્તાને ધ્યાનમાં લીધા વગર આ પ્રકારના ષડયંત્રોને ખુલ્લા પાડવા જોઈએ.” નોંધનીય છે કે, બુધવારે એક સમાચારપત્રે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓને ધર્મના આધારે જુદા-જુદા વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.