(એજન્સી) તા.૭
મધ્ય અને દક્ષિણ એશિયાની બાબતો પર ધ્યાન રાખતા વરિષ્ઠ અમેરિકન રાજદ્વારી એલિસ જી.વેલ્સે કોવિડ-૧૯ મુદ્દે વંશીય અને ધાર્મિક લઘુમતીઓને લક્ષ્યાંક બનાવવાના વલણને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. એક ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું કે, કોઈપણ જગ્યાએ કે કોઈપણ સમયે વંશીય અથવા તો ધાર્મિક લઘુમતીઓને બદનામ કરવું અસ્વીકાર્ય છે. ચાલો આપણે એવું કશું કરીએ કે કોવિડ-૧૯ની ચિંતા અને ભય આપણને વિભાજિત ન કરી શકે. આ પહેલાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના અમેરિકન રાજદૂત સૅમ બ્રાઉનબેકે શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં ટ્રેન્ડ થઈ રહેલું #Corona jihad દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, સરકારો દ્વારા આવું કરવું ખોટું છે. સરકારોએ આ બધુ બંધ કરાવવું જોઈએ અને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે, લઘુમતી સમુદાય કોરોના વાયરસનો સ્ત્રોત નથી. સરકાર પર જવાબદારી મૂકતા તેમણે કહ્યું હતું કે, સરકારમાં રહેલા લોકો આ બાબતને આક્રમકતાથી દબાવી દેશે એવી અમને આશા છે. પરંતુ તેમણે આ પણ કહ્યું હતું કે, ભારતીય અધિકારીઓ સાથે તેમની આ મુદ્દે ચોક્કસ ચર્ચા થઈ નથી. માર્ચના મધ્યમાં દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તબ્લીગી જમાતનો કાર્યક્રમ યોજાયા પછી કોવિડ-૧૯ના કેસોમાં થયેલા ખૂબ જ વધારાને પગલે ફકત તબ્લીગી જમાતના સભ્યો જ નહીં પરંતુ મુસ્લિમોની હેરાનગતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ અનેક બનાવટી સમાચારો વહેતા થયા હતા કે કેવી રીતે લઘુમતી સમુદાય ઈરાદાપૂર્વક કોવિડ-૧૯ ફેલાવી રહ્યો છે. આ સાથે જ ટ્‌વીટર પર પણ #Corona jihad ટ્રેન્ડ થવા માંડયું હતું.