(એજન્સી) કોલકાતા,તા.૩૦
જ્યારે રાજ ગુપ્તા નામના લોખંડના વેપારીને કોલકાતાની નોડલ કોવિડ-૧૯ હોસ્પિટલ તરફથી ફોન આવ્યો કે એમ્બ્યુલન્સ તેમના પિતાને લેવા આવી રહી છે ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે ર૪ કલાક પહેલા આ જ હોસ્પિટલે તેમના પિતા ઓમપ્રકાશ કોરોના વાયરસથી સંક્રમિત નથી તેમ કહીને રજા આપી દીધી હતી. આ ફોન કોલમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો કે હોસ્પિટલથી ભૂલ થઈ ગઈ હતી. ખરેખર ઓમપ્રકાશનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે રાજ ગુપ્તાએ બીજીવાર ઘરેથી નીકળી હોસ્પિટલ જતા તેમના પિતાનો વીડિયો બનાવ્યો હતો. ઓમપ્રકાશ ફરી ક્યારેય ઘરે પરત ન ફર્યા. હોસ્પિટલમાં દાખલ થયાના ૧ર કલાકમાં જ તેમનું નિધન થઈ ગયું. રાજ ગુપ્તાએ કહ્યું હતું કે, મારા પિતાને બંગુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે કહ્યું હતું કે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને અમને બધાને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. બીજા દિવસે અમને બંગુર હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો અને તે ઘરે જઈ શકે છે. તેમના ડિસ્ચાર્જ સ્ર્ટિફિકેટ પર કોવિડ-૧૯ નેગેટિવ લખેલું છે ત્યારબાદ અમને સ્વાસ્થ્ય વિભાગ તરફથી ફોન આવ્યો હતો કે મારા પિતાનો કોવિડ-૧૯ રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ગુપ્તાએ કહ્યું હતું કે જે શખ્સ ચાલીને ઘરેથી ગયો હોય તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે છે ? આ બેદરકારી છે. મારા પિતાની હત્યા થઈ છે. અમને આ અંગે બંગુર હોસ્પિટલ અને સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જવાબ જોઈએ.